જામનગર, 29 જાન્યુઆરી 2026: રાજ્યભરમાં હાલ પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે, ત્યારે જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતેથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગોંડલ SRP ગ્રુપ-8 માં ફરજ બજાવતા એક જવાને પોતાના મિત્ર સાથે મળીને દોડની પરીક્ષા પાસ કરવા માટે ‘ચિપ’ ની અદલાબદલી કરી હતી. જોકે, ટેકનોલોજીની મદદથી આ કૌભાંડ પકડાઈ જતાં હવે જવાને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.
જામનગર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડમાં ગત 21મી જાન્યુઆરીએ શારીરિક પરીક્ષા ચાલી રહી હતી. ગોંડલના બેટીવડ ગામના અને હાલ SRPમાં નોકરી કરતા અર્જુનસિંહ જાડેજા અને તેના મિત્ર શિવભદ્રસિંહ જાડેજાનો વારો ત્રીજા ગ્રુપમાં હતો. અર્જુનસિંહથી દોડ પૂર્ણ થાય તેમ ન હોવાથી તેણે દોડ શરૂ થતા પહેલા જ પોતાના પગમાં બાંધેલી બંને ઇલેક્ટ્રિક ચિપના લોક તોડીને મિત્ર શિવભદ્રસિંહને આપી દીધી હતી.
વધુ વાંચો: કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, વરસાદની આગાહી
શિવભદ્રસિંહે પોતાના અને મિત્રના હિસ્સાની દોડ પૂર્ણ કર્યા બાદ છેલ્લે 12મા રાઉન્ડમાં અર્જુનસિંહને ચિપ પરત આપી દીધી હતી. પરંતુ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે અર્જુનસિંહની ચિપ ‘રીડ’ થઈ નહોતી. ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસને શંકા જતાં તેમણે ગાંધીનગર સેન્ટ્રલ કંટ્રોલ રૂમના ડેટા ચકાસવા આદેશ આપ્યો હતો. ટેકનિકલ તપાસમાં અર્જુનસિંહની કરતૂત ખુલ્લી પડી ગઈ હતી.
આ મામલે દોડ વિભાગના ઇન્ચાર્જ PI જયપાલસિંહ સોઢાએ બંને વિરુદ્ધ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ‘ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ’ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. આરોપી અર્જુનસિંહ અત્યારે ગોંડલ SRP જૂથ-8 માં હથિયારી કોન્સ્ટેબલ છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફોજદારી ગુનો નોંધાતા હવે તેને ખાતાકીય તપાસ બાદ સરકારી નોકરીમાંથી પણ હાંકી કાઢવામાં આવશે. પોલીસ ભરતી બોર્ડની ચુસ્ત સુરક્ષા અને આધુનિક ટેકનોલોજીને કારણે ઉમેદવારોની આ ગેરરીતિ પકડાઈ ગઈ છે. આ ઘટનાએ અન્ય ઉમેદવારો માટે પણ એક લાલબત્તી સમાન કિસ્સો પૂરો પાડ્યો છે.
વધુ વાંચો: શહીદ દિન નિમિત્તે કાલે શુક્રવારે સવારે 11 વાગ્યે બે મીનીટનું મૌન પાળવા લોકોને અપીલ

