Site icon Revoi.in

અમદાવાદના ઇસ્કોન મંદિરમાં જન્માષ્ટમી પર્વની ચાર દિવસીય ઊજવણી કરાશે

Social Share

અમદાવાદઃ શહેરના રાધા-કૃષ્ણના મંદિરો અને હવેલીઓમાં જન્માષ્ટમીનું પર્વ મનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ તારીખ 07થી 10 સપ્ટેમ્બરથી સુધી જન્માષ્ટમીના તહેવાર ઊજવણી કરવામાં આવશે. આ વર્ષે જન્માષ્ટમી મહામોહત્સવ દરમિયાન મંદિરમાં દર્શનાર્થીઓને દર્શન કરવા માટે સરળતા રહે એ રીતે સુલભ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે સાથે મંદિરના પરિસરમાં ડિજિટલ સ્ક્રીનથી દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મંદિર પ્રશાસન દ્વારા મંદિરના ફેસબુક તેમજ યુ-ટ્યૂબ પેજ પર લાઈવ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી ભક્તો ઘરે બેઠા-બેઠા ભગવાનના દર્શન, આરતી તેમજ મહા-અભિષેક નિહાળી શકશે.

અમદાવાદ શહેરમાં તમામ હવેલીઓ, સ્વામિનારાયણ મંદિરો તથા કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીના પર્વનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીના દિવસે સવારે 04:30 વાગ્યે ભગવાનની મંગળા આરતી થશે, 07.30 વાગ્યે ભગવાનને વૃંદાવનથી આવેલા વિશેષ વસ્ત્રો અને અલંકારોથી સુસજ્જિત કરી શ્રુંગાર દર્શન ખુલ્લા મુકવામાં આવશે, ત્યારબાદ ઇસ્કોન મંદિરમાં વરિષ્ઠ ભકતો દ્વારા કૃષ્ણ કથા કરવામાં આવશે અને સવારે 9થી રાત્રીના 1 વાગ્યા સુધી 11,000 હરિનામ સંકીર્તન જપયજ્ઞ અને અખંડ હરે કૃષ્ણ મહામંત્રની ધૂન ભક્તો દ્વારા કરવામાં આવશે. મંદિરના ગર્ભગૃહને 400 કિલોથી વધુ વિવિધ જાતના ફૂલોથી શણગારવામાં આવશે. સમગ્ર મંદિરના પ્રાંગણને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું છે.

ઇસ્કોન મંદિરના વહિવટદારના જણાવ્યા મુજબ  ભક્ત પ્રહલાદ સ્કૂલના વિધાર્થીઓ દ્વારા સાંજે મંદિરની પાછળ ગાર્ડનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવશે. સમગ્ર મંદિરને ગોકુલ થીમથી શણગારવામાં આવ્યું છે. રાત્રીના 11.30 કલાકે ભગવાનનો પંચામૃત, કેસર, ગંગાજળ અને વિવિધ પ્રકારના ફળોના રસો દ્વારા મહા-અભિષેક કરવામાં આવશે અને પછી 12.30 વાગ્યે મહાઆરતી કરવામાં આવશે. આ દિવસે ભગવાનને 1008 વિવિધ વાનગીઓ જેમ કે મેક્સિકન, ઇટાલિયન, થાઈ, ચાઇનીઝ તેમજ ભારતની વિવિધ વાનગીઓ અર્પણ કરવામાં આવશે. જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે નંદોત્સવના દિવસે મંદિર પ્રશાસન દ્વારા 10,000 લોકોનું ભંડારા-પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદના 127માં આવિર્ભાવ દિનની પણ ઉજવણી કરવામાં આવશે અને બપોરે 12 વાગ્યે તમામ ભક્તો માટે પ્રસાદ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે.