Site icon Revoi.in

ઝારખંડ:JPSP કૌભાંડમાં વધુ 5 આરોપીઓની ધરપકડ, વિદ્યાર્થીઓ આંદોલન યથાવત

Social Share

રાંચી, 6 ઓગસ્ટ 2026: ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (JPSC) પરીક્ષાઓમાં ગેરરીતિ અને કૌભાંડ મામલે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. સીઆઈડીએ નક્કર પુરાવાઓના આધારે વધુ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. રાંચી અને લખનૌ પોલીસના સંયુક્ત સહકારથી પકડાયેલા આ આરોપીઓ 14મી JPSC પ્રિલિમિનરી પરીક્ષામાં ગેરરીતિ આચરીને પાસ થયા હોવાનો ખુલાસો થયો છે. સીઆઈડી દ્વારા પકડાયેલા આરોપીઓની ઓળખ મનોજ કુમાર, રોશન કેરકેટા, ઉમાકાંત ઉરાંવ, રક્ષક સિંહ અને ધર્મેન્દ્ર કુમાર તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ શખ્સો માત્ર ખોટી રીતે પરીક્ષા પાસ થવાની સાથે અન્ય ઉમેદવારોને પણ ગેરરીતિ આચરવા માટે જરૂરી સુવિધાઓ પૂરી પાડતા એજન્ટ તરીકે સક્રિય હતા. આ સાથે જ આ હાઈપ્રોફાઈલ કેસમાં અત્યાર સુધી કુલ 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

બીજી બાજુ, જેપીએસસી અને જેએસએસસી સહિતની ભરતી પરીક્ષાઓમાં થઈ રહેલી વ્યાપક ગેરરીતિઓ સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રાંચીમાં આંદોલનકારી વિદ્યાર્થીઓએ હવે સરકાર સાથે વાતચીત માટે તૈયારી દર્શાવી છે, જોકે તેમણે સ્પષ્ટ શરત મૂકી છે કે, આ બેઠકનું સંપૂર્ણ વિડિયો રેકોર્ડિંગ થવું જોઈએ. વિદ્યાર્થીઓ સમગ્ર મામલે સીબીઆઈ તપાસની માંગ સાથે અડગ છે અને ભરતી કરતી એજન્સીઓમાં તાત્કાલિક સુધારા લાવવાની માંગ કરી રહ્યા છે.

રાજ્યમાં પીએસસી અને એસએસસી પરીક્ષાઓના વિરોધમાં અનિશ્ચિત મુદતના ભૂખ હડતાલ પર બેઠેલા વિદ્યાર્થીઓનું સમર્થન સતત વધી રહ્યું છે. આંદોલનમાં વધુ પાંચ પ્રદર્શનકારીઓ જોડાતા મામલો વધુ ગંભીર બન્યો છે. વિદ્યાર્થી નેતાઓનું કહેવું છે કે, યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થવા એ માત્ર ઝારખંડ પૂરતી મર્યાદિત સમસ્યા નથી, પરંતુ દેશભરના યુવાનો માટે એક ગંભીર રાષ્ટ્રીય કટોકટી સમાન બની ગઈ છે. દરમિયાન, સરકારી સૂત્રોનું કહેવું છે કે સરકાર આ મામલે ખૂબ જ ગંભીરતાથી કામ કરી રહી છે અને તપાસ એજન્સીઓ દોષિતોને સજા અપાવવા માટે રાત-દિવસ કામ કરી રહી છે.

Exit mobile version