Site icon Revoi.in

કાશ્મીરઃ કટ્ટરપંથીઓ લઘુમતિ હિન્દુઓને બનાવી રહ્યાં છે નિશાન, 4 દિવસમાં 5 વ્યક્તિઓ ઉપર હુમલા

Social Share

નવી દિલ્હીઃ તાજેતરમાં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મના કારણે હાલ કાશ્મીરી પંડિતો અને કટ્ટરપંથીઓને ચર્ચાઓ વેગવંતી બની છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા અભિયાન શરૂ કર્યું છે. જો કે, કટ્ટરપંથીઓ હિન્દુ સહિતના લઘુમતીઓમાં ભય ફેલાવવા માટે અવાર-નવાર હુમલા કરે છે. 4 દિવસમાં ચાર પરપ્રાંતિય મજૂરો અને એક કાશ્મીરી પંડિતને ગોળી મારવાની ઘટનાઓ સામે આવી હતી. જેના કારણે ફરી એકવાર કાશ્મીરમાં લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરની ઘટનાઓ સંપૂર્ણ રીતે ગભરાટ ફેલાવવા માટે કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ અહીંથી ભાગી જાય. આ સિવાય કાશ્મીરી પંડિતોની વાપસી માટેના પ્રયાસો નબળા પડી શકે છે. શોપિયાંના રહેવાસી કાશ્મીરી પંડિત બાલ કૃષ્ણ ઉપર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. ગોળીબારમાં ગંભીર રીતે ઘવાયેલા બાલકૃષ્ણને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. આતંકવાદીઓએ કરેલા ગોળીબારમાં તેમને ચાર ગોળીઓ વાગી હતી. વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ કહ્યું, “આતંકવાદીઓ હવે પ્રવાસીઓ અને રોજગારની શોધમાં આવેલા લોકોને નિશાન બનાવે છે. જેથી લોકોમાં ભય ફેલાય અને કાશ્મીર છોડી દે. પહેલા આતંકવાદીઓ કાશ્મીરી હિન્દુઓ અને રોજગારી માટે આવેલા શ્રમજીવીઓ ઉપર પહેલા ગોળીઓ વરસાવતા હતા. જો કે, હવે આતંકવાદીઓએ નવી પેટર્ન અપનાવી છે અને અન્ય રાજ્યના લોકો કાશ્મીર છોડી દે તે માટે હુમલા કરે છે.

આતંકવાદી હુમલામાં ઘવાયેલા બાલ કૃષ્ણના ભાઈ અનિલ કુમાર ભટ્ટે જણાવ્યું હતું  1990માં પિતાએ કાશ્મીરમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો અને તેની કિંમત ચૂકવવી પડશે. 1990માં કાશ્મીર છોડી દીધુ હોય તો સારી નોકરી અને સરકારી યોજનાઓનો લાભ મળ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, એકવાર તેના ભાઈ બાલ કૃષ્ણને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે, પછી તે કાશ્મીરમાં રહેવાના નિર્ણય પર વિચાર કરશે. તેમણે કહ્યું કે આવા વાતાવરણમાં અમે દુકાનો ખોલી શકીશું નહીં. અમારા માટે વેપાર કરવો મુશ્કેલ બનશે.