Site icon Revoi.in

કેવડિયાનું નવુ નામ એકતાનગર, હાઈવે પરના સાઈન બોર્ડ પણ બદલી દેવાયા

Social Share

વડોદરાઃ કેવડિયા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના વિસ્તારનો સારોએવો વિકાસ કરવામાં આવ્યો છે. રોજબરોજ અસંખ્ય પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળવા માટે આવે છે. હવે તો કેવડિયા સુધી ટ્રેન સેવા પણ શરૂ કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા કેવડિયા રેલવે સ્ટેશનનું નામ બદલીને એકતાનગર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેવડિયાનું નામ પણ બદલવામાં આવશે તેવું લાગતા કેવડિયાના ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. પરંતુ તંત્રએ કેવડિયા વિસ્તારમાં જ્યાં જ્યાં પણ સાઈન બોર્ડ પર “કેવડીયા” લખ્યું હતું ત્યાં ત્યાં હવે “એકતા નગર” નામનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે વડોદરા અને રાજપીપળા આસપાસના હાઈવે પર લગાવેલા મોટા મોટા સાઈન બોર્ડ પર કેવડિયાની જગ્યાએ એકતા નગર નામ લખવા આવ્યું છે

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાના રેલ્વે સ્ટેશનનું નામ બદલીને એકતા નગર રેલ્વે સ્ટેશન નામકરણ તાજેતરમાં જ કરાયુ હતું. ગુજરાત સરકારે દ્વારા “કેવડિયા” નું નામ “એકતા નગર” અને “કેવડિયા રેલ્વે સ્ટેશન” નું નામ બદલીને “એકતા નગર રેલ્વે સ્ટેશન” કર્યું છે. તેથી વડોદરા ફોર-લેન રોડ અને રાજપીપળા અને અન્ય એપ્રોચ રૂટ પરના વિવિધ સાઈન બોર્ડ અને હોર્ડિંગ્સમાં આ રીતનો ફેરફાર કરવા માં આવ્યો છે.

કેવડિયાના પ્રવેશ દ્વારનું નામ એકતા દ્વાર રાખવામાં આવ્યું છે ઉપરાંત એકતા ક્રૂઝ બોટ, એકતા નર્સરી, એકતા મોલ, એકતા રેલવે સ્ટેશન નામ આપ્યા દીધા છે, હવે કેવડિયાનું નામ બદલી એકતા નગર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્ય સરકારના આદેશના પગલે નર્મદા જિલ્લાના માર્ગને મકાન વિભાગે કેવડિયાના બોર્ડ બદલી નાખી એકતા નગરના બોર્ડ લગાવ્યા છે.આમ નર્મદા ડેમના પગલે વિશ્વ ફલક ઉપર કેવડિયાથી ઓળખાતું નગર હવે પોતાની ઓળખ ગુમાવીને એકતા નગર તરીકે આગામી દિવસોમાં ઓળખાશે તે હવે લાગી રહ્યું છે. સરકારી આદેશના પગલે તંત્રએ બોર્ડ બદલાવની કામગીરી શરૂ કરી દીધી છે.