Site icon Revoi.in

ગુજરાતમાં 30 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતરઃ કપાસનું વાવેતર વધ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ધીમે-ધીમે ચોમાસુ જામી રહ્યું છે અને સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હેત વરસાવ્યો છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના જિલ્લા-તાલુકામાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે ખેડૂતો પણ ખરીફ પાકના વાવેતરમાં જોતરાયાં છે. રાજ્યમાં 30 લાખ હેકટરમાં વાવેતર થયું છે. જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં 23 લાખ હેકટરમાં થયું છે. આમ રાજ્યમાં લગભગ 35 ટકા વાવણી થઈ ચુકી છે. જેમાં સૌથી વધારે કપાસ અને મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વાવેતર થયું છે. ગયા વર્ષની સરખામણીએ મગફળીનું વાવેતર ઘટ્યું છે જ્યારે કપાસનું વાવેતર ગયા વર્ષની જેટલું જ થયાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગત વર્ષે હાલની સ્થિતિમાં રાજ્યમાં કૂલ 40.53 લાખ હેકટરમાં વાવેતર થઈ ગયું હતું, આ વર્ષે તેની સામે 30.20 લાખ હેક્ટરમાં એટલે કે 10.23 લાખ હેક્ટરમાં વાવેતર ઓછું છે. મગફળીનું વાવેતર પણ ગત વર્ષથી 35થી 40 ટકા ઓછુ થયું છે. કુલ વાવેતરના 50 ટકાથી વધુ, 15.57 લાખ હેક્ટરમાં માત્ર કપાસનું વાવેતર થયું છે. ગત ઉનાળામાં કપાસના ભાવ માર્કેટ યાર્ડમાં ઐતહાસિક ઉંચાઈએ પ્રતિ મણના રૂ। 2800ને પાર થયા હતા. જેના પગલે ખેડૂતો કપાસ તરફ વધુ વળ્યાનું જણાય છે. જો કે, હાલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બે સપ્તાહથી આંશિક ઘટાડાનું વલણ છે અને ગત 22 જૂન સુધી પ્રતિ મણના રૂ।. 2500ને પાર રહેલા ભાવ ક્રમશઃ ઘટીને હાલ રૂ।. 2212ના ભાવે સોદા થઈ રહ્યાં છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 33 ટકા જમીનમાં એટલે કે 10.14 લાખ હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે, જે ગત વર્ષે 14.50 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થઈ ગયું હતું. માર્કેટ યાર્ડમાં હાલ મગફળીના ભાવ 1000થી 1300 વચ્ચે સ્થિર છે. ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, અન્ય ધાન્ય પાકો, મગ,મઠ,અડદ સહિત કઠોળ, તલ, દિવેલા, સોયાબીન સહિત તેલિબિયાના વાવેતરમાં હજુ વેગ આવ્યો નથી.