Site icon Revoi.in

વરસાદ ખેંચાતા ખરીફ પાક મુરઝાયોઃ નહેરોમાં પાણી છોડવા કિસાન સંઘની રજુઆત

Social Share

અમદાવાદઃ રાજ્યમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયા બાદ મોટાભાગના ખેડુતોએ વાવણીનું કાર્ય પૂર્ણ કરી દીધું હતું. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ પાકનું વાવેતર કર્યુ છે તે નિષ્ફળ જાય તેવો ભય ખેડૂતોમાં વ્યાપી ગયો છે. ખેડૂતોને જે વાવેતર કર્યુ છે તે વાવેતરને અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે, પાણી ન મળે તો પાક બળી જાય તેવી સ્થિતિ છે. આથી કિસાન સંઘે રાજય સરકારને રજુઆત કરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારતીય કિસાન સંઘ દ્વારા સરકારને એવી રજુઆત કરવામાં આવી હતી કે, રાજ્યમાં મોટાભાગના ખેડુતોએ વાવણી કરી દીધી છે. હવે વરસાદ ખેંચાતા ખરીફ પાક મુરઝાઈ રહ્યો છે. એટલે પાકને બચાવવા માટે કેનાલમાં પાણી છોડવાની માગણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં કપાસ, મગફળી, બાજરી, તલ જેવા પાકના વાવેતર કરવામાં આવ્યુ છે. જયારે ઉત્તર ગુજરાતમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં પરંપરાગત ડાંગર,બાગાયતી પાક હોય છે, જયારે મધ્યમ ગુજરાતમાં પણ ડાંગર,કપાસ એમ મિક્ષ પાકનું વાવેતર કરાય છે. રાજયમાં 10થી15 દિવસ પહેલા જે વરસાદ થયો ત્યારે ખેડૂતોએ વાવણી કરી નાખી હતી.

વાવણી બાદ મોટાભાગના વિસ્તારમાં વધુ વરસાદ પડયો નથી એટલે કૂવાના તળ જેટલા આવવા જોઇએ તેટલા આવ્યા નથી. આવા સંજોગોમાં જે ખેડૂતો પાસે કૂવો છે તેઓ પાકને પાણી આપી શકે છે, પણ જે ખેડૂતો પાસે કૂવો નથી તેઓ વરસાદની રાહ જોઇ રહ્યા છે. આવા સંજોગોમાં એકાદ સપ્તાહમાં વરસાદ થાય નહીં તો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ હોવાનું ખેડૂતોનું કહેવું છે.