Site icon Revoi.in

કિસાન મોરચા દ્વારા “પ્રાકૃતિક કૃષિ શાળા” અભિયાનનો પ્રારંભ

Kisan Morcha launches “Natural Agriculture School” campaign

Kisan Morcha launches “Natural Agriculture School” campaign

Social Share

ગાંધીનગર, 15 જુલાઈ, 2026 – ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચા, ગુજરાત પ્રદેશ દ્વારા પ્રાકૃતિક કૃષિ શાળા રાજ્યવ્યાપી અભિયાનનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો આશય પ્રધાનમંત્રીના આ વિઝન અને સંદેશને સરકારની યોજનાઓની સાથે સંગઠનાત્મક કાર્યો દ્વારા પણ પ્રત્યેક ગામડાઓ અને પ્રત્યેક ખેડૂત સુધી અસરકારક રીતે પહોંચાડવાનો છે.

આ અનુસંધાને, આ અભિયાનના પ્રારંભિક કાર્યક્રમરૂપે ભારતીય જનતા કિસાન મોરચા દ્વારા અષાઢી બીજના પાવન અવસરે ગુરુવાર, તા. ૧૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે, દસક્રોઈ તાલુકાના પીરાણા ખાતે આવેલી શ્રી કલ્કિ તીર્થધામ પ્રેરણાપીઠ ખાતે પ્રથમ “પ્રાકૃતિક કૃષિ શાળા” યોજાશે.

અભિયાન અંતર્ગત ગુજરાતના તમામ તાલુકાઓમાં તબક્કાવાર આ પ્રકારની પ્રાકૃતિક કૃષિ શાળાઓનું આયોજન કરીને ખેડૂતોને ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન, જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ સંરક્ષણ અને સ્વસ્થ કૃષિ પદ્ધતિઓ અંગે પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવશે.

મુખ્ય સંકલ્પ દરેક તાલુકામાં પ્રાકૃતિક કૃષિ શાળાનું આયોજન, દરેક ગામડા અને ખેડૂત સુધી પ્રાકૃતિક ખેતી અંગે યોગ્ય માહિતી પહોંચે, ખેતીના ખર્ચમાં ઘટાડો થાય સાથે જમીનમાં ફળદ્રુપતામાં વધારો અને ગૌ સંવર્ધન દ્વારા પર્યાવરણ સંતુલનની સાથે ખેડૂત સમૃદ્ધિમાં વધારો કરવાનો છે.

આ કાર્યક્રમ દરમિયાન કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને તેના લાંબાગાળાના લાભો અંગે માર્ગદર્શન તેમજ દ્વિપક્ષીય સંવાદ કરવામાં આવશે. ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિરેન હિરપરાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતીને ખેડૂતોની આવક, ધરતીના સ્વાસ્થ્ય અને માનવજીવનની સુખાકારી સાથે જોડીને રાષ્ટ્રીય દિશા આપી છે. કિસાન મોરચો આ વિચારને માત્ર સંદેશ સુધી મર્યાદિત નહીં રાખે, પરંતુ ગુજરાતના દરેક તાલુકાના ખેતર અને ખેડૂત સુધી પહોંચાડશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, “પ્રાકૃતિક કૃષિ શાળા અભિયાન દ્વારા ખેડૂતોને માત્ર પ્રવચન નહીં, અત્યાર સુધીના સફળ પ્રયોગો અને સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવશે. ગૌ આધારિત કૃષિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો, જમીનની જીવંતતામાં વધારો અને ખેડૂતની આર્થિક સક્ષમતા—આ અભિયાનના મુખ્ય આધારસ્તંભ છે.”

કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ અને કિસાન મોરચાના પ્રદેશ પ્રભારી શ્રી ભરતભાઈ પંડ્યા, ગુજરાત ભાજપ કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ શ્રી હિરેન હિરપરા, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા, દસક્રોઈના ધારાસભ્ય શ્રી બાબુલાલભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રદેશ મહામંત્રી શ્રી પ્રકાશભાઈ પટેલ, પ્રાકૃતિક કૃષિ અને ગૌ સેવા સેલના પ્રદેશ કન્વીનર શ્રી હર્ષદભાઈ પટેલ તથા એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એગ્રો ડેવલપમેન્ટ સેલના પ્રદેશ કન્વીનર શ્રી ડૉ. વી. પી. રામાણી પ્રેરક ઉપસ્થિતિ આપશે.

આ ઉપરાંત અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના પ્રભારી શ્રી કમલેશભાઈ હાડી, અમદાવાદ જિલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ પટેલ, કિસાન મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, કૃષિ નિષ્ણાતો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.

Exit mobile version