લોસ એન્જલસ, 12 ફેબ્રુઆરી 2026: અમેરિકાના લોસ એન્જલસમાં હાલ સોશિયલ મીડિયા દિગ્ગજ કંપનીઓ સામે એક ઐતિહાસિક કાનૂની જંગ છેડાયો છે. આ સુનાવણી દરમિયાન ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસેરીએ કોર્ટમાં સનસનાટીભર્યું નિવેદન આપતા જણાવ્યું હતું કે, તેઓ એ વાત સાથે સહમત નથી કે લોકો સોશિયલ મીડિયાના ‘ક્લિનિકલી એડિક્ટેડ’ (ચિકિત્સકીય રીતે લતી) બની જાય છે. આ કેસમાં મેટા (ફેસબુક-ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની) અને ગૂગલનું યુટ્યુબ મુખ્ય આરોપી છે. ઉલ્લેખનીય છે કે ટિકટોક અને સ્નેપચેટ જેવી કંપનીઓ આ મામલે પહેલા જ સમજૂતી કરી ચૂકી છે. આ કેસના ચુકાદાની અસર ભવિષ્યમાં આવા હજારો અન્ય કેસો પર પડવાની શક્યતા છે.
અદાલતમાં ‘KGM’ નામની 20 વર્ષની યુવતી સહિત ત્રણ લોકોના કેસને ‘ટેસ્ટ કેસ’ તરીકે લેવામાં આવ્યા છે. પીડિત પરિવારોનો ગંભીર આરોપ છે કે, સોશિયલ મીડિયા કંપનીઓએ એવા એલ્ગોરિધમ અને ફીચર્સ તૈયાર કર્યા છે જે બાળકોને સતત એપ પર જકડી રાખે છે. આ લતને કારણે કિશોરોમાં ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓનું પ્રમાણ વધી રહ્યું છે. બ્યુટી ફિલ્ટર્સ યુવાનોમાં પોતાના શરીરને લઈને લઘુતાગ્રંથિ પેદા કરે છે, જેના કારણે પ્લાસ્ટિક સર્જરી જેવો ક્રેઝ વધે છે.
કોર્ટમાં ઉલટતપાસ દરમિયાન એડમ મોસેરીએ દલીલ કરી હતી કે કોઈ વસ્તુનો વધુ પડતો ઉપયોગ કરવો અને તેની તબીબી લત હોવી એ બંને અલગ બાબત છે. તેમણે સ્વીકાર્યું કે, ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર જરૂર કરતા વધુ સમય વિતાવે છે અને બાદમાં તેમને પસ્તાવો પણ થાય છે, પરંતુ તેને ‘તબીબી બીમારી’ ગણાવી શકાય નહીં. જ્યારે વાદી પક્ષના વકીલે તેમના જૂના ઇન્ટરવ્યુ ટાંક્યા ત્યારે મોસેરીએ બચાવ કરતા કહ્યું કે, “પહેલા મેં એ શબ્દો સામાન્ય વાતચીતમાં વાપર્યા હતા, પરંતુ હવે હું શબ્દોની પસંદગીમાં વધુ સાવચેત છું.”
સુનાવણી દરમિયાન જ્યારે ફિલ્ટર્સ અને કિશોરોની માનસિક સ્થિતિ પર ચર્ચા થઈ ત્યારે હાજર રહેલા કેટલાક વાલીઓ ભાવુક થઈ ગયા હતા. પરિસ્થિતિને જોતા જજે વાલીઓને શાંત રહેવા અને સંયમ જાળવવા તાકીદ કરી હતી. મેટા કંપનીનો દાવો છે કે તેમણે કિશોરોની સુરક્ષા માટે અનેક નવા ફીચર્સ ઉમેર્યા છે અને જાન્યુઆરી 2025થી થર્ડ-પાર્ટી એઆર ફિલ્ટર્સ પણ બંધ કરી દીધા છે. જોકે, સંશોધકોનું કહેવું છે કે હજુ પણ ‘ટીન એકાઉન્ટ્સ’ પર અયોગ્ય જાતીય સામગ્રી અને આત્મહત્યાને પ્રેરિત કરતું કન્ટેન્ટ સજેસ્ટ કરવામાં આવે છે. કંપનીએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
આ પણ વાંચોઃ સુદાનમાં હોનારત: નાઇલ નદીમાં હોડી પલટી જતાં 15નાં મોત

