Site icon Revoi.in

જાણો જવાહરલાલ નહેરુએ સિંધિયા રાજપરિવાર પર શા માટે રાજકારણમાં આવવાનું બનાવ્યું હતું દબાણ?

Social Share

ભારતની સ્વતંત્રતા બાદ ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા રાજનીતિથી મહદઅંશે દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ચૂંટણી લડી નહીં. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેટલાક કારણોથી આ રાજપરિવારને રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું.

તત્કાલિન કોંગ્રેસ સરકાર મહારાજા અને તેમના પત્નીના હિંદુ મહાસભા તરફના ઝુકાવથી ચિંતિત હતી. કોંગ્રેસ માટે હિંદુ મહાસભા એક પડકાર તરીકે ઉભરી રહી હતી. પહેલા જ લોકસભા ઈલેક્શનમાં મહાસભાને બે બેઠકો જીતવામં સફળતા મળી હતી. આ સિવાય મધ્યપ્રદેશ વિધાનસભાની 11 બેઠકો પર પણ જીત મળી હતી.

હિંદુ મહાસભાનું નામ મહાત્મા ગાંધીની હત્યામાં પણ જોડવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધી મુજબ, નાથૂરામ ગોડસે (ગાંધીજીનો હત્યારો) ઘટનાને અંજામ આપવાના બે દિવસ પહેલા દત્તાત્રેય એસ. પરચુરે સાથે રિવોલ્વરની ખરીદી માટે ગ્વાલિયર ગયો હતો. ગોડસે અને તેના સાથીએ ગ્વાલિયરમાં એક બંદૂક વિક્રેતા જગદીશ પ્રસાદ ગોયલ પાસેથી ઈટાલિયન પિસ્તોલની ખરીદી કરી હતી. તે ગ્વાલિયર રેજિમેન્ટનો એક કર્નલ ઈથિયોપિયાથી ભારત લાવ્યો હતો. બંદૂક લાવનાર અધિકારીને મહારાજાનો એસીડી બનાવાયો હતો.

તુષાર ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે આખરે એસીડીની લાવેલી બંદૂક પહેલા બંદૂક વિક્રેતા અને બાદમાં ગોડસેના હાથમાં કેવી રીતે પહોંચી?  કોંગ્રેસને શંકા હતી કે ગ્વાલિયરના મહારાજા અને તેમના પત્ની દ્વારા હિંદુ મહાસભાને સંરક્ષણ અપાય રહ્યું છે. કોંગ્રેસે આ શંકાને દૂર કરવા માટે મહારાજાના પત્ની વિજયારાજે સિંધિયા નહેરુને મળ્યા હતા. નહેરુએ કહ્યુ હતુ કે જો બધું ઠીક છે, તો કોંગ્રેસની ટિકિટ પર જીવાજીરાવને ચૂંટણી લડવા માટે કહો.

વિજિયારાજે સિંધિયા જાણતા હતા કે તેમના પતિને રાજકારણમાં કોઈ રસ નથી. તેમણે આ વાત નહેરુને પણ જણાવી હતી. નહેરુએ વિજયરાજેને લાલબહાદૂર શાસ્ત્રી અને ગોવિંદ વલ્લભ પંતને મળવા કહ્યું હતું. આ બંનેએ દબાણ બનાવ્યું કે જો જીવાજીરાવ ચૂંટણી લડી શકે નહીં, તો તમે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડો અને આ પ્રકારે વિજયારાજે સિંધિયા રાજકારણમાં આવ્યા.

વિજયારાજે સિંધિયા 1957માં લોકસભા ચૂંટણી કોંગ્રેસની ટિકિટ પરથી ગુના બેઠક પરથી લડયા હતા. તેમણે હિંદુ મહાસભાના ઉમેદવાર વી. જી. દેશપાંડેને હરાવ્યા હતા. તેમને કુલ 118578 વોટ મળ્યા હતા. જે કુલ મતદાનના 66.95 ટકા હતા.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય ટીપ્પણીકાર રશીદ કિદવઈના મંજુલ પ્રકાશનમાં પ્રકાશિત પુસ્તક સિંધિયા રાજઘરાના-સત્તા, રાજનીતિ ઔર ષડયંત્રો કી મહાગાથામાં આ ચૂંટણી બાબતે લખ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જીવાજીરાવ ચૂંટણી પ્રચાર અભિયાનથી દૂર રહ્યા હતા. તેમણે સરદાર આંગ્રેને વિજયારાજેના ચૂંટણી પ્રબંધક તરીકે કામ કરવાના નિર્દેશ આપ્યા હતા. હિંદુ મહાસભાના સ્વઘોષિત સદસ્ય આંગ્રે પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા. વિજયારાજેએ ખુદ ઘણો વધારે પ્રચાર કર્યો નહીં. તેમના સ્થાને આંગ્રેએ જ તમામ બેઠકો કરીને મહેલ માટે વોટ માંગ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે આ તે સમય હતો, જ્યારે રાજ્ય પુનર્ગઠન કાયદો 1956 લાગુ થઈ ચુક્યો હતો. તેનાથી પૂર્વવર્તી ગ્વાલિયર સામ્રાજ્યને મધ્ય ભારત તરીકે મળેલી રાષ્ટ્રીય ઓળખ સમાપ્ત થઈ ચુકી હતી અને મધ્યપ્રદેશના નામથી એક નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું. બાદમાં વિજયારાજે કોંગ્રેસ છોડીને ભારતીય જનસંઘમાં જોડાયા હતા અને ભાજપના સંસ્થાપક સદસ્ય પણ બન્યા હતા.

સાંસદ તરીકે વિજયારાજે ઘણાં સક્રિય ન હતા. લોકસભામાં તેમની હાજરી 50 ટકાથી પણ ઓછી હતી. તેનું એક કારણ જીવાજીરાવનું કથળતું સ્વાસ્થ્ય પણ હતું. ફરીથી તેઓ ગ્વાલિયરમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા સિંધિયા કન્યા વિદ્યાલયને લઈને ઘણાં સમર્પિત હતા. વિજયરાજેનું નામ રામજન્મભૂમિ આંદોલન અને બાબરી વિધ્વંસ સાથે પણ જોડાયેલું છે.