Site icon Revoi.in

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછતથી વિદ્યાર્થીઓ પરેશાન

Social Share

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં ધો,1થી 12માં 1.51 લાખ વિદ્યાર્થીઓએ ભણતર શરૂ કર્યું છે. ત્યારે નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં પરેશાની જોવા મળી રહીં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી જ પાઠ્યપુસ્તકોની અછત સર્જાઈ છે. જેને લઇને હજુ સુધી વિદ્યાર્થીઓ પોતાના પૂરતા પાઠ્યપુસ્તકો ખરીદી શક્યા નથી.આ વર્ષે નવા પાઠ્યપુસ્તકના ભાવોમાં 30 ટકા જેટલો વધારો નોંધાયો છે. નવા શૈક્ષણિક સત્રથી તમામ પાઠ્યપુસ્તકો મોંઘાદાટ બની ચૂક્યા છે. છતાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકોની વંચિત રહેવાનો વારો આવ્યો છે. પાઠ્યપુસ્તકના વેપારીઓ પાઠ્યપુસ્તકનો સ્ટોક ન હોવાનું જણાવી રહ્યા છે. અભ્યાસ માટે જતાં વિદ્યાર્થીઓ વગર પાઠ્યપુસ્તકે સ્કુલે જવા મજબૂર બન્યા છે. બીજી તરફ અમુક વિદ્યાર્થીઓ એક પાઠ્યપુસ્તકમાંથી બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા પણ શાળાઓમાં નજરે પડ્યા છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પાઠ્યપુસ્તક ઉપરાંત સ્ટેશનરી, યુનિફોર્મ સહિત શિક્ષણ સામગ્રીની વસ્તુઓ મોંઘી દાટ બની છે. નવા સત્રથી કાગળના ભાવમાં પણ વધારો આવતાની સાથે તમામ વસ્તુઓ મોંઘી બની છે. જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. એમાય સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા પાઠ્યપુસ્તક ના હોવાના કારણે વિદ્યાર્થીના અભ્યાસ પર અસર પડી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાઠ્યપુસ્તકની અછતના પગલે સ્ટેશનરીની દુકાન તથા પાઠ્યપુસ્તક વેચનારની દુકાનો ઉપર સવારથી સાંજ સુધી વાલીઓ ધક્કા ખાતા પણ નજરે પડી રહ્યા છે. જિલ્લામાં આવેલી ખાનગી તથા સરકારી શાળાઓમાં ફરજિયાત નક્કી કરેલી દુકાનો ઉપરથી જ પાઠ્યપુસ્તક અને યુનિફોર્મ લેવાનો આગ્રહ શિક્ષકો અને શાળા સંચાલકો રાખી રહ્યા છે.આ કેટલું યોગ્ય છે? કારણ કે, આજે તે નિશાળ દ્વારા અને સંચાલકો દ્વારા કોઈ કમિશન અથવા કોઈ પ્રકારની આર્થિક લાલચના પગલે નક્કી કરેલી દુકાનો ઉપરથી યુનિફોર્મ અને પાઠ્યપુસ્તક ખરીદીનો આગ્રહ રાખવામાં આવતો હોવાનું કહેવાય છે. જેને લઈને હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઊંચા પૈસા દઈ અને યુનિફોર્મ અને પાઠ્યપુસ્તકની ખરીદી શાળા સંચાલકો દ્વારા નક્કી કરવામાં આવેલી દુકાનો ઉપરથી ખરીદી કરવા મજબૂર બની રહ્યાં છે.