Site icon Revoi.in

અમદાવાદમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓએ જગન્નાથજી મંદિરના મહંતને ચાંદીનો રથ આપ્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા માટે પોલીસ વહિવટી તંત્ર અને મંદિર તરફથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શહેરમાં રથયાત્રા દરમિયાન કોમી એખલાસ જળવાઈ રહે તે માટે બન્ને સમાજના આગેવાનો પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ જગન્નાથજી મંદિરમાં જઈને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો. અને શહેરમાં કોમી એખલાસ જળવાઈ રહે તે માટે મહંતના આશીર્વાદ મેળવ્યા હતા.

અમદાવાદ શહેરમાં કોરોનાના મહામારીના બે વર્ષ બાદ ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાશે. હાલ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ અને કોમી એખલાસ સાથે પૂર્ણ થાય તે માટે જમાલપુરના મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા  જગન્નાથ મંદિરમાં કોમી એકતાના પ્રતીક રૂપે ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત દિલીપદાસજીને આ ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો હતો. રથયાત્રામાં મુસ્લિમ સમાજના લોકોનું પણ યોગદાન રહે છે અને કોમી એકતા સાથે આ ઉત્સવ ઉજવાય તેના માટે દર વર્ષે રથ આપવામાં આવે છે. જમાલપુર વિસ્તારમાં મુસ્લિમ સમાજના અગ્રણી રાઉફ શેખ અને અન્ય બિરાદરોએ જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. દર વર્ષની જેમ આ વખતે પણ હિન્દુ અને મુસ્લિમો વચ્ચે કોમી એકતા વધુ મજબુત બને તેમજ શાંતિ અને સદ્ભાવના વચ્ચે રથયાત્રા પૂર્ણ થાય તે માટે ઢોલ નગારા સાથે મંદિરમાં ચાંદીનો રથ મહંત દિલીપદાસજીને અર્પણ કર્યો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે ભગવાન જગન્નાથજી મંદિરમાં પોલીસ દ્વારા ચેકિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ભગવાન અત્યારે સરસપુર ખાતે તેમના મામાના ઘરે છે. જ્યાં ભગવાનની ભવ્ય આગતા સ્વાગતા અને તેમને લાડ લડાવવામાં આવી રહ્યા છે. રોજ અવનવી વાનગીઓ તેમને પીરસવામાં આવી રહી છે ત્યારે રવિવારે સાંજે તેમને મગસનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો. આશરે 700 કિલો જેટલો મગનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. ભગવાનને મનોરથ કરાવ્યા બાદ પ્રસાદરૂપે લોકોને આ મગસના લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો.