રોજ રાત્રે ગૃહિણીઓને એક જ મૂંઝવણ હોય છે કે “આજે ડિનરમાં શું બનાવવું?” જો તમે પણ આ જ વિચારી રહ્યા હોવ, તો હવે ચિંતા છોડો. આજે અમે તમારા માટે લાવ્યા છીએ સ્વાદ અને સ્વાસ્થ્યનો સંગમ ધરાવતી ‘કાબુલી ચણા પુલાવ’ની રેસિપી. આ વાનગી માત્ર ટેસ્ટી જ નથી, પણ પોષક તત્વોથી પણ ભરપૂર છે. કાબુલી ચણા પ્રોટીન, ફાઈબર અને આવશ્યક મિનરલ્સનો ઉત્તમ સ્ત્રોત છે. તે શરીરને ઉર્જા આપવાની સાથે પાચનતંત્રને પણ સુધારે છે. જ્યારે તેને બાસમતી ચોખા સાથે રાંધવામાં આવે છે, ત્યારે તે એક સંપૂર્ણ અને સંતુષ્ટ ભોજન બની જાય છે.
જરૂરી સામગ્રીઃ એક કપ બાસમતી ચોખા, એક કપ બાફેલા કાબુલી ચણા, બે મોટી ચમતી તેલ અથવા ધી, એક મોટી ડુંગળી (લાંબી સમારેલી), એક ટામેટું( ઝીણું સમારેલું), બે નંગ લીલા મરચાં (સમારેલા), એક નાની ચમચી આજુ-લસણની પેસ્ટ, આખા મસાલામાં અડધી ચમચી જીરૂં, એક તેજપત્તા, બે લવીગ, એક એલચી, અડધી ચમચી ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું અને બે કપ પાણી તથા ગાર્નિશિંગ માટે કોથમી
બનાવવાની રીતઃ સૌથી પહેલા બાસમતી ચોખાને પાણીથી સાફ ધોઈ લો અને લગભગ 20 મિનિટ માટે પલાળી રાખો. એક કૂકર અથવા કઢાઈમાં તેલ કે ઘી ગરમ કરો. તેમાં જીરું, તેજપત્તા, લવિંગ અને એલચી ઉમેરીને તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચઢાવો. ત્યારબાદ આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી થોડી વાર સાંતળો. હવે ટમેટા ઉમેરી તેને નરમ થવા દો. ટમેટા ચઢી જાય એટલે તેમાં બાફેલા કાબુલી ચણા, મીઠું અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો. હવે પલાળેલા ચોખાનું પાણી નિતારીને તેમાં ઉમેરો અને હળવા હાથે મિક્સ કરો. 2 કપ પાણી ઉમેરી કૂકરનું ઢાંકણ બંધ કરો. 2 વ્હિસલ વાગે ત્યાં સુધી રાંધવા દો. કૂકરની હવા નીકળી જાય એટલે હળવા હાથે પુલાવને મિક્સ કરો. ઉપરથી લીલી કોથમીર ભભરાવીને સજાવો. આમ તૈયાર છે ગરમાગરમ કાબુલી ચણા પુલાવ! તેને ઠંડા રાયતા, પાપડ અથવા તાજા સલાડ સાથે સર્વ કરો અને તમારા ડિનરને ખાસ બનાવો.

