Site icon Revoi.in

ચાલો પતંગ ઉડાવીએ.પણ પક્ષીઓનું પણ ધ્યાન રાખીએ..

Social Share

રાજકોટ:રાજયભરમાં ઉતરાયણનો તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે.પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઇજા થવાના અને તેના મૃત્યુ થવાના બનાવો બનતા હોય છે. આથી, રાજ્યભરમાં ‘જીવો, જીવવા દો અને જીવાડો’ની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આ વર્ષે પણ ઉતરાયણ પર્વ દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરીત સારવાર વ્યવસ્થા માટે કરુણા અભિયાન કાર્યરત કરાયું છે.

રાજકોટ જિલ્લા નાયબ પશુપાલન નિયામક કે. યુ. ખાનપરાએ જણાવ્યું છે કે, જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં તા. ૧૦ થી તા. ૨૦ જાન્યુઆરી દરમિયાન કરૂણા અભિયાન અન્વયે ઘાયલ પક્ષીઓની સારવાર સુશ્રુષા અર્થે વન વિભાગ દ્વારા જિલ્લામાં દરરોજ સવારે ૭ કલાકથી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર જિલ્લામાં કુલ ૨૬ સારવાર કેન્દ્રો ઉભા કરી ઈજા પામેલા પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

જિલ્લાનાં તમામ તાલુકા સ્તરના ૨૦ થી વધુ પશુ દવાખાનાઓમાં ૩૦ થી વધુ વેટરનરી ડોકટરોની ટીમ પશુ દવાખાનામાં સતત કાર્યરત રહીને પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓની અદ્યતન સારવાર-સુશ્રુષા જેવી કે સોનોગ્રાફી, પેથોલોજી, ઓપરેશન કરાય છે. તેમજ ઘાયલ થયેલા પક્ષીઓને ૫ કરુણા એમ્બ્યુલન્સ અને મહાનગરપાલિકા, પશુપાલન વિભાગ અને વન વિભાગના વાહનોમાં શક્ય હશે ત્યાં સુધી પશુ દવાખાના સુધી લઈ જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત, અનેક સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે.

કરૂણા અભિયાન-૨૦૨૩ અંતર્ગત પક્ષી નિદાન કેન્દ્રની માહિતી માટે મો.નં. ૮૩૨૦૦ ૦૨૦૦૦ પર વોટસએપમાં ‘Karuna’ મેસેજ લખી https://bit. karunaabhiyan ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહીં, પશુપાલન વિભાગના હેલ્પલાઈન નં. ૧૯૬૨ ઉપર પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઈ શકાશે. તેમજ પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીઓની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૩ પર સંપર્ક થઈ શકશે.

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરી પ્રતિકભાઈ સંઘાણીએ જણાવ્યું છે કે, કરૂણા અભિયાન હેઠળ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ, પોલીસ તંત્ર, એનીમલ વેલફેર બોર્ડ, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, વિવિધ ગૌશાળાઓ-પાંજરાપોળો, વિદ્યુત બોર્ડ અને વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓના સહયોગથી સઘનપણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરવામાં આવી છે. તદઉપરાંત, આ અભિયાન હેઠળ ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન થાય, તે અંગે મોબાઈલ વાનમાં બેનરો મારફતે જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.