Site icon Revoi.in

ભારતીય સેનામાં ઉચ્ચ હોદ્દા ઉપર પહોંચેલા આ નિવૃત્ત ગુજરાતી અધિકારીને પરમ વિશિષ્ટ સેવા મેડલ

Social Share

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અસિત મિસ્ત્રીને સેવા મેડલથી સન્માનિત કર્યા છે. મેડલ અંગે 72માં પ્રજાસત્તાક દિવસે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય સેનામાં આટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચેલા તેઓ મા ત્રીજા ગુજરાતી હોવાનું જાણવા મળે છે. અગાઉ ભારતીય સેનામાં કમાન્ડર-ઈન-ચીફ રહી ચૂકેલા જનરલ રાજેન્દ્રસિંહજી જાડેજા અને લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહ જ આટલા ઉચ્ચ પદ સુધી પહોંચ્યા છે.

વડોદરાના લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ગયા મહિને જ NDAના કમાન્ડન્ટ તરીકે નિવૃત્ત થયા હતા. તેઓ મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના કર્નલ હતા.ચાર દાયકાની તેમની લશ્કરી કારકિર્દીમાં, તેમને અતિ વિશિષ્ટ સેવા મેડલ, સેના મેડલ, વિશિષ્ઠ સેવા મેડલ એનાયત કરવામાં આવ્યા છે. નિવૃત્તિ પછી, તેઓ હવે રક્ષા શક્તિ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ઇન્ટરનલ સિક્યુરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડિરેક્ટર તરીકે કાર્યરત છે.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રીનો જન્મ 25 ઓક્ટોબર, 1961ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં પ્રારંભિક શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ખૂબ નાની ઉંમરથી જ તેમણે લશ્કરમાં જોડાવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું, અને પોતાના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં પ્રથમ પગલું ભરતાં 1972માં બાલાછડી ખાતેની સૈનિક સ્કૂલમાં જોડાયા હતા.

1978માં એનડીએ, ખડકવાસલા માટે તેમની પસંદગી કરવામાં આવી હતી, અને 1982માં 12 મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીમાં તેમને નિયુક્ત કરાયા હતાં.  12 મરાઠા એલઆઈમાં નિમણૂક મેળવનારા તે પ્રથમ અધિકારી હતા, પાછળથી જેની તેમણે કમાન સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ અને હાયર કમાન્ડ કોર્સના સ્નાતક છે. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ડિફેન્સ સ્ટડીઝમાં માસ્ટર ડિગ્રી અને ઇન્દોરના દેવી અહિલ્યાબાઈ વિશ્વવિદ્યાલયમાંથી એમ. ફિલ. ની ડિગ્રી મેળવી છે.

લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી ગયા મહિને સેવામાંથી નિવૃત્ત થયા હતા. સેવામાં હતા ત્યારે તેઓ છેલ્લે નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલાના કમાન્ડન્ટ તરીકે કાર્યરત હતાં, જે ક્રેડલ ઓફ મિલિટરી લીડરશીપ તરીકે વધુ જાણીતી છે.  જ્યાં તેમણે લગભગ 2,000 યુવાન કેડેટ્સની તાલીમની દેખરેખ રાખી હતી. તેઓ મરાઠા લાઇટ ઇન્ફેન્ટ્રીની કર્નલ ઓફ રેજિમેન્ટ પણ રહી ચૂક્યા છે. સેવામાંથી નિવૃત્તિ બાદ લેફ્ટનન્ટ જનરલ મિસ્ત્રી હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, ગાંધીનગરમાં સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી, ડિફેન્સ એન્ડ સ્ટ્રેટેજિક સ્ટડીઝના ડાયરેક્ટર તરીકે જોડાયા છે અને તેઓ અમદાવાદમાં સ્થાયી થશે.