Site icon Revoi.in

લો બોલો, કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લીધા બાદ બે પાકિસ્તાની બોક્સર ભેદી સંજોગોમાં ગુમ

Social Share

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં મોટી સંખ્યામાં મૂળ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરે છે એટલું જ નહીં પાકિસ્તાની નાગરિકોમાં પણ ઈંગ્લેન્ડમાં જઈને વસવાટ કરવાનો ભારે ક્રેઝ છે. દરમિયાન તાજેતરમાં ઈંગ્લેન્ડમાં યોજાયેલી કોમનવેલ્થમાં ભાગ લેવા ગયેલા બે પાકિસ્તાની બોક્સરો ભેદી સંજોગોમાં ગુમ થતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે. બીજી પાકિસ્તાની તંત્ર અને ઈંગ્લેન્ડની પોલીસ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ચાલુ વર્ષે જૂન મહિનામાં પાકિસ્તાની સ્વીમર હંગરીમાં ગુમ થયો હતો. તેનો પણ હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર ઈંગ્લેન્ડના બર્મિધમમાં ચાલુ મહિનાની 8મી ઓગસ્ટના રોજ 22મી કોમનવેલ્થ ગેમ્સની પૂર્ણાહૂતિ થઈ હતી. આ ગેમ્સમાં ભાગ લેવા આવેલા બાકિસ્તાનના બે બોક્સર સુલેમાન બલુચ અને નઝીરુલ્લાહ પણ ભાગ લેવા આવ્યાં હતા. ગેમ્સની પૂર્ણાહૂતિ બાદ બંને જણાએ ટીમ મેનેજમેન્ટને સંપર્ક કર્યો ન હતો. બંને ભેદી સંજોગોમાં ગુમ થઈ ગયા હતા. હવે પાકિસ્તાન અને લંડનના અધિકારીઓ બંને બોક્સરને શોધી રહ્યાં છે.

પાકિસ્તાન બોક્સિગ મહાસંધના સચિવ નાસિર તાંગએ જણાવ્યું હતું કે, બંને બોક્સરના પાસપોર્ટ સહિત પ્રવાસના તમામ દસ્તાવેજ મહાસંધના અધિકારીઓ પાસે છે. ટીમ મેનેજમેન્ટે બંને બોક્સર ગુમ થયાની જાણકારી પાકિસ્તાન હાઈકમીશન અને લંડનના સંબંધિત અધિકારીઓને કરી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટીમ મેનેજમેન્ટ તમામ ખેલાડીઓ સાથે ઈસ્લામાબાદ આવવા રવાના થયાં હતા. તેના કેટલાક કલાક પહેલા જ બંને બોક્સર ગુમ થયાં હતા. પાકિસ્તાન ઓલિમ્પિક સંધએ ગુમ થયેલા બોક્સરો મામલે તપાસ કરવા ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ વખતે પાકિસ્તાને બે ગોલ્ડ સહિત કુલ આઠ મેડલ જીત્યાં હતા. જ્યારે બોક્સિંગમાં પાકિસ્તાનને એક પણ મેડલ મળ્યો નથી.