Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ 219 બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યાં

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર વેગવંતો બન્યો છે. ગઈકાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે અનેક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા હવે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. બીજી તરફ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં 219 જેટલી બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરીફ જીત્યા હોવાનો દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તા. 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ અને કોંગ્રેસ દ્વારા નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં ઉમેદવારોના નામ જાહેર કર્યાં બાદ અસંતોષ સામે આવ્યો હતો. રાજકીય પક્ષો દ્વારા ડેમેજ કન્ટ્રોલની કવાયત શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ઉમેદવારી ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટીના કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યાં હતા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની 219 બેઠક બિનહરીફ થઈ છે. જિલ્લા પંચાયતની 24 બેઠક ભાજપના ફાળે આવી છે. આ ઉપરાંત નગરપાલિકાઓની 85 બેઠક પર ભાજપને જીત મળી છે. કડી અને ઉના નગરપાલિકામાં તો ચૂંટણી લડ્યા પહેલા જ ભાજપની સત્તા પાક્કી થઈ છે. કડીની 36માંથી 26 બેઠકો અને ઉનાની 36 માંથી 21 બેઠકો ઉપર ભાજપના ઉમેદવાર બિનહરિફ જીત્યાં છે. આવી જ રીતે તાલુકા પંચાયતની 110 બેઠક પર ભાજપના ઉમેદવારો મતદાન પહેલા જ વિજયી બન્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. તેમજ તા. 2 માર્ચના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવશે.