Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ કોંગ્રેસના પ્રદર્શનથી હાઈકમાન્ડ નારાજ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતમાં મતદાન વિના જ ભાજપના 219 જેટલા ઉમેદવારો બિનહરીફ જીત્યાં છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલના કારણે રિજેક્ટ થયાં હતા. જ્યારે કેટલાક ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવારો બિન હરીફ જાહેર થયાં છે. ગુજરાત કોંગ્રેસની કામગીરી સામે હાઈકમાન્ડે નારાજગી વ્યક્ત કરી હતી. તેમજ ફોર્મ-મેન્ડેટની ભૂલો, ગેરશિસ્ત અંગે હાઈકમાન્ડે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં 6 કોર્પોરેશન માટે તા. 21મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત માટે તા. 28મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ઉમેદવારોની પસંદગી બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી સામે આવી હતી. જેથી કેટલાક ઉમેદવારોને કોંગ્રેસના સિનિયર નેતાઓ દ્વારા ફોન ઉપર જાણ કરવામાં આવી હતી. જો કે, કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના ફોર્મમાં ભૂલ સામે આવી હતી. જેથી કેટલાક ફોર્મ રદ થયાં હતા. જેનો ફાયદો ભાજપને મળ્યો છે. કોંગ્રેસના નેતાઓની આવી ભૂલોની નોંધ હાઈકમાન્ડે લીધી છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત બાદ કોંગ્રેસમાં નારાજગી સામે આવી હતી. ટિકીટ નહીં મળતા કેટલાક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો પાર્ટી વિરુદ્ધ કામગીરી કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. હવે આ બધા મુદ્દે કોંગ્રેસ હાઇકમાન્ડ સફાળું જાગ્યું છે અને પાર્ટી વિરુદ્ધ કામ કરનારા લોકો સામે તવાઈની શક્યતા દેખાઈ રહી છે. ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસમાં પાર્ટી વિરુદ્ધ કામ કરનારા નેતાઓ સામે કાર્યવાહી કરવાના સંકેત મળ્યા છે.