Site icon Revoi.in

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ 47400 મતદાન મથક ઉપર 2.80 લાખ કર્મચારીઓને સોંપાશે જવાબદારી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં લગભગ 47 હજારથી વધારે મતદાન મથકો ઉપર 2.80 લાખ જેટલા કર્મચારીઓને ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવશે. એટલું જ નહીં કોરોના મહામારી વચ્ચે ચૂંટણી યોજાવાની હોવાથી સરકારી ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં આવશે.

ગુજરાતમાં આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જે માટે ઉત્તરાયણ બાદ ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. ચૂંટણીને લઈને ચૂંટણીપંચ દ્વારા પણ તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. મતદાન મથકો ઉપર 1 લાખ જેટલા સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવશે. સરકારી ગાઈડલાઈન અનુસાર યોજનારી આ ચૂંટણીમાં મતદાન મથકમાં કર્મચારીઓ અને મતદાન એજન્ટો સહિત સરેરાશ 8થી 10 વ્યક્તિઓ જ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કર્મચારીઓને મતદાન મથક સુધી લઈ જવા માટે એસટી બસ તથા અન્ય વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણીમાં ઝંડપલાવી રહી છે. તેમજ આપ દ્વારા ઉમેદવારોની પસંદગી પણ કરી લેવામાં આવી છે. જેથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. આ ઉપરાંત ઓવૈસી અને છોટુ વસાવા પણ ગઠબંધન કરીને ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપવાની તૈયારીઓ કરી રહ્યાં છે.