- 11 દિવસ તમામ દુકાનો બંધ રહેશે
- તા. 22મી એપ્રિલથી શરૂ થશે અમલ
- લોકોને હાલાકી ના પડે તેવુ કરાયું આયોજન
- પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની મળી બેઠક
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સંક્રમણ અટકાવવા માટે નાના-મોટા ભાગ સ્વૈચ્છીક લોકડાઉન અને સ્વયંભૂ બંધ પાડી રહ્યાં છે. ઉત્તર ગુજરાતના પાટણમાં લોકડાઉનના નિર્ણય બાદ મહેસાણા શહેરમાં પણ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, લોકોને હાલાકી ના પડે તે માટે જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહેસાણા ટાઉનહોલમાં પાલિકાના અધિકારીઓ અને વેપારીઓની બેઠક મળી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણામાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા નગરપાલિકાના અધિકારીઓ અને હોદ્દેદારોની વેપારી આગેવાનો સાથે બેઠક મળી રહી હતી. જેમાં મહેસાણામાં કોરોનાની પરિસ્થિતિને લઈને લંબાણ પૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં 22 એપ્રિલ થી 2 મેં સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. મહેસાણા શહેરનાં તમામ બજાર આગામી 11 દિવસ માટે બંધ રહેશે. આમ મહેસાણા શહેરમાં 22 એપ્રિલ થી 2 મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો અમલ કરાશે. લોકોને તકલીફ ના પડે એટલા માટે 20 એપ્રિલ અને 21 એપ્રિલના રોજ મહેસાણા શહેરના બજારો આખો દિવસ ચાલુ રહેશે.
મહેસાણામા કોરોનાના કેસો વધતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે અને ફ્રુટ અને શાકભાજીની લારીઓ પર ભીડ થતાં તેને દૂર કરવા નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત મહેસાણાના વિસનગરમાં પણ કોરોનાને લઈને કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે.