Site icon Revoi.in

લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છેઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ શ્રાવણની ઝરમર અને હજજારો લોકોના ઉત્સાહ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટમાં આઝાદીના અમૃત લોકમેળાને લોકો માટે ખુલ્લો મુક્યો હતો. આ સાથે જ રાજકોટના  આંગણે પાંચ દિવસ માટે આનંદ ભયોનું વાતાવરણ સર્જાયું હતું.

મુખ્યમંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સંચાલિત પ્રદર્શન સહ વેચાણ સ્ટોલ્સ, માહિતી ખાતાનો પ્રદર્શન ડોમ તેમજ પોલીસના શસ્ત્ર પ્રદર્શનના સ્ટોલનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.  મેળાના ઉદઘાટન બાદ ખુદ મુખ્યમંત્રી, ઉપસ્થિત મંત્રીઓ તેમજ મહાનુભાવોએ મેળામાં લટાર મારી હતી, તેમજ મુખ્યમંત્રીશ્રી, મંત્રીગણ તેમજ મહાનુભાવોએ ફજર ફાળકામાં બેસીને મેળાની મજા માણી હતી.

મેળાનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ મહિનામાં રાજકોટ પ્રભુ શ્રીરામ અને શ્રી કૃષ્ણના રંગે રંગાયું છે. આપણે રામવન નામે અર્બન ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું. અહીં કૃષ્ણમય બનેલા લોકમેળાનો આપણે આજથી પ્રારંભ કર્યો છે.

સનાતન હિન્દુ સંસ્કૃતિના બે મહાન પ્રતીક ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણના નામ સાથે જોડાયેલી ઘટનાઓ રાજકોટમાં આકાર લઈ રહી છે. ભારતમાં નહીં વિદેશમાં પણ લોકો રામ અને કૃષ્ણને માને છે, અનુસરે છે. ભારતમાં થયેલા ઈશ્વરીય અવતારો આપણી સંસ્કૃતિ, માન્યતાઓ, ઉપાસના અને આરાધના, તહેવારો અને ઉત્સવોના કેન્દ્ર સ્થાને રહ્યા છે. સૌરાષ્ટ્રની ભાતીગળ લોકસંસ્કૃતિ પર ભગવાન શ્રી કૃષ્ણનો ઊંડો પ્રભાવ છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય પર્વે આપણી વિરાસતો પર ગર્વ લેવાનું આહવાન કર્યું છે. રહેણીકરણી, ભાષા-બોલી, ખાન-પાન, પરંપરાઓ, ઉત્સવો અને મેળા આપણી સાંસ્કૃતિક વિરાસત છે. આપણે આ વિરાસતને ગર્વભેર વિશ્વ સમક્ષ ઉજાગર કરવામાં ઉત્સવો સક્ષમ માધ્યમ છે.

તેમણે કહ્યું કે, લોકમેળા ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર છે. લોકમેળાએ આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે. આપણા લોકમેળાઓ સામાજિક સમરસતા, એકતા, બંધુતાના પણ પ્રતીક છે. રંગીલા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રના મોજીલા લોકો માટે આ લોકમેળો આનંદનું સ્થાન બની રહેવાનો છે. તેમણે કહ્યું હતું કે, લોકમેળાનો આનંદ માણીએ સાથે સ્વચ્છતા, જાહેર સંપત્તિના જતન સહિતની નાગરિક તરીકેની ફરજો પણ નિભાવીએ.