Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ ઓડિશામાં ભાજપા એકલા હાથે ચૂંટણી લડશે !

Social Share

નવી દિલ્હીઃ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. બીજેપી અને બીજેડી વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે ઓડિશા બીજેપી અધ્યક્ષે જણાવ્યું હતું કે, ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી. અમે એકલા હાથે ચૂંટણી લડીશું. ઓડિશા ભાજપના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં બીજેડી સાથે ગઠબંધન અને સીટ વહેંચણી અંગેની વાતચીત અનિર્ણિત રહી હતી. આમ, ભાજપ ઓડિશાની તમામ 21 લોકસભા બેઠકો અને 147 વિધાનસભા બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખે તેવી અટકળો વહેતી થઈ છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ વરિષ્ઠ નેતાઓ સાથે નવી દિલ્હીથી ભુવનેશ્વર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, ગઠબંધન પર કોઈ ચર્ચા થઈ નથી અને અમે એકલા હાથે ચૂંટણી લડીશું. આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ અંગે કેન્દ્રીય નેતાઓ સાથે ચર્ચા કરવા અમે નવી દિલ્હી ગયા હતા. બેઠક દરમિયાન કોઈપણ પક્ષ સાથે જોડાણ કે બેઠકોની વહેંચણી અંગે કોઈ વાત થઈ ન હતી. તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ ઓડિશામાં બંને ચૂંટણી જીતવા સક્ષમ છે. અમે બંને ચૂંટણી એકલા હાથે લડીશું.

બીજેડી નેતા વીકે પાંડિયન અને પ્રણવ પ્રકાશ દાસ પણ નવી દિલ્હીથી ભુવનેશ્વર પરત ફર્યા છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, ગઠબંધન અંગે ચર્ચા કરવા બીજેડીના બંને નેતાઓ નવી દિલ્હી ગયા હતા. જોકે, ભુવનેશ્વર આવ્યા બાદ તેમણે કોઈ ટિપ્પણી કરી ન હતી અને મૌન જાળવી રાખ્યું હતું. સૂત્રોનું માનીએ તો બીજેડી અને બીજેપી વચ્ચે ગઠબંધન નક્કી થઈ ચૂક્યું હતું પરંતુ સીટોની વહેંચણીને કારણે વાત અટકી ગઈ હતી. બીજેપીના એક વરિષ્ઠ નેતાના કહેવા પ્રમાણે, બીજેડી લગભગ 75 ટકા વિધાનસભા સીટોની માંગ કરી રહી હતી અને આ અમને સ્વીકાર્ય ન હતું.

બીજેડીના સૂત્રોનું માનીએ તો ભાજપ કુલ 147 વિધાનસભા સીટોમાંથી 55 સીટોની માંગ કરી રહી છે. 112 બેઠકો કબજે કરી ચૂકેલી BJD 112 બેઠકો પોતાની પાસે રાખવા અને 35 બેઠકો ભાજપને આપવા માંગે છે. જો કે બીજેડી નેતા સસ્મિતા પાત્રાએ દાવો કર્યો છે કે, અમે આ વખતે 120 સીટો જીતીશું. બીજી તરફ, ભાજપ 21 લોકસભા બેઠકોમાંથી 14 બેઠકોની માંગ કરી રહી છે પરંતુ BJD 10 લોકસભા બેઠકો આપવા માંગે છે. હાલમાં ઓડિશામાં ભાજપ પાસે આઠ લોકસભા બેઠકો છે.