Site icon Revoi.in

વડોદરાની M S યુનિવર્સિટીએ 75 દિવસે પણ પરિણામ જાહેર ન કરતા વિદ્યાર્થીઓએ કર્યા દેખાવો

Social Share

વડોદરાઃ ગુજરાતની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ.એસ યુનિવર્સિટી દ્વારા 10 એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થતી હોવા છતાં યુનિવર્સિટીએ ફર્સ્ટ યરના રિઝલ્ટ જાહેર કર્યા ન હોવાથી ઝડપથી રિઝલ્ટ જાહેર કરવાની માગ સાથે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા  યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે  હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી, જેથી યુનિવર્સિટી સત્તાધીશો દોડી આવ્યા હતા અને બે દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાની અને પરીક્ષા પાછી ઠેલવવાની તૈયારીઓ દર્શાવી હતી.

આ અંગે વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાએ જણાવ્યું હતું કે, એમ.એસ. યુનિવર્સિટીમાં આગામી તા. 10  એપ્રિલથી એટીકેટીની પરીક્ષા શરૂ થઈ રહી છે. ત્યારે યુનિવર્સિટીએ કેટલીક ફેકલ્ટીઓમાં હજુ સુધી ફર્સ્ટ યરની પરીક્ષાનું  રિઝલ્ટ જાહેર કર્યું નથી. હજુ સુધી રિઝલ્ટ જાહેર ન થતાં અનેક વિદ્યાર્થીઓ એટીકેટીની પરીક્ષા આપવાથી વંચિત રહી જાય તેમ છે, જેથી આ મામલે જલદી રિઝલ્ટ જાહેર કરીને વિદ્યાર્થીઓને આપી શકે તે માટે કોઈ રસ્તો શોધી કાઢવાની માગ સાથે  યુનિવર્સિટી હેડ ઓફિસ જઈને આંદોલન કર્યું હતુ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લેવાયા બાદ  ‘45 દિવસમાં રિઝલ્ટ જાહેર કરવાનો નિયમ છે તેમ છતાં 75 દિવસ બાદ પણ હજુ સુધી રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી. જેથી, યુનિવર્સિટીની  હેડ ઓફિસ ખાતે રામધૂન બોલાવીને હેડ ઓફિસને તાળાબંધી કરી હતી.

આ બનાવની જાણ થતાં યુનિ.ના  ટેક્નોલોજી ફેકલ્ટીના ડીન ધનેશ પટેલ, પીઆરઓ લકુલીશ ત્રિવેદી અને ડેપ્યુટી રજિસ્ટ્રાર દર્શન મારુ યુનિવર્સિટી ખાતે દોડી આવ્યા હતા. અને બે દિવસમાં જ રિઝલ્ટ જાહેર કરવાની અને પરીક્ષા પાછી ઠેલવવાની તૈયારી દર્શાવી હતી. દરમિયાન એમ.એસ. યુનિવર્સિટીના પબ્લિક રિલેશન ઓફિસર લકુલીશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ‘વિદ્યાર્થીઓના ફર્સ્ટ યરના રિઝલ્ટ ડિક્લેર નથી થયાં. એ સંદર્ભે અત્યારે અમે ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી અને એન્જિયરિંગના ડીનને બોલાવી યોગ્ય નિરાકરણ લાવીશું. અને રિઝલ્ટની પ્રોસેસને ઝડપી કરીશું અને જરૂર પડશે તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષા પાછી ઠેલવવાની પણ પૂરેપૂરી તૈયારી છે. વિદ્યાર્થીઓને કોઈ નુકસાન ન થાય તેના માટે યુનિવર્સિટી ચિંતિત છે.