નવી દિલ્હીઃ ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર વચ્ચે ડીલ લગભગ ફાઈનલ થઈ ગઈ છે. ટ્વિટરના બોર્ડે મસ્ક દ્વારા 44 બિલિયન ડોલરની સંપાદન બિડ સ્વીકારી છે. આ પછી તે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો બોસ બનવાની ખૂબ નજીક ગયા છે. દરમિયાન એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એલોન મસ્કને ભારતમાં ઉત્પાદન કરવાની ઓફર કરી છે. ગડકરીએ કહ્યું કે જો એલોન મસ્ક ભારતમાં ઉત્પાદન કરવા માંગે છે તો અમારી પાસે તમામ ક્ષમતાઓ અને ટેક્નોલોજી છે. પરંતુ જો તે ચીનમાં ઉત્પાદન કરશે અને ભારતમાં વેચશે તો તે યોગ્ય પ્રસ્તાવ નથી.
રિપોર્ટ અનુસાર, એક કાર્યક્રમ દરમિયાન ગડકરીએ કહ્યું, તેઓ અહીં ઉત્પાદન શરૂ કરે છે. ભારત એક મોટું બજાર છે. અહીં બંદરો પણ છે જેથી તેઓ ભારતમાંથી નિકાસ કરી શકે છે. પરંતુ ભારતમાં મેડ ઈન ચાઈના ટેસ્લાના કોન્સેપ્ટના પ્રવેશની શક્યતા નથી. મસ્કે 14 એપ્રિલે ટ્વિટર ખરીદવાની ઓફર કરી હતી. મસ્કએ કહ્યું છે કે તે ટ્વિટર ખરીદવા માંગે છે કારણ કે તેને નથી લાગતું કે તે મુક્ત અભિવ્યક્તિના પ્લેટફોર્મ તરીકે તેની સંભવિતતા અનુસાર આગળ વધી નથી રહ્યું છે. ટ્વિટરના બોર્ડે સોમવારે સર્વસંમતિથી તેમની દરખાસ્તને મંજૂરી આપી હતી અને શેરધારકોને પણ આવું કરવાની ભલામણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈને લાંબા સમયથી સંબંધમાં તણાવ વધ્યો છે. ભારત સરકારે અનેક ચાઈનીઝ મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.