મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટના અંગે દુખ વ્યક્ત કરીને મહારાષ્ટ્રના સીએમ ફડણવીસનો સંપર્ક કરીને દૂર્ઘટનાની વિગતો જાણી હતી.
મળતી માહિતી મુજબ, અજિત પવાર જિલ્લા પરિષદની ચૂંટણીઓને લઈને બુધવારે સવારે મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા. અહેવાલ અનુસાર, તેમનું ચાર્ટર પ્લેન સવારે 8:45 વાગ્યે બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી. વિમાન ક્રેશ-લેન્ડ થયું હતું અને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું.
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, “આ વિમાનમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના 1 પીએસઓ (PSO), 1 એટેન્ડન્ટ અને 2 ક્રૂ મેમ્બર્સ (પાયલોટ અને કો-પાયલોટ) સવાર હતા. દુર્ભાગ્યવશ, આ ભીષણ અકસ્માતમાં વિમાનમાં સવાર કોઈ પણ વ્યક્તિ જીવિત બચી શક્યું નથી.”
બારામતીમાં ઘટનાસ્થળ પરથી સામે આવેલા વીડિયો અત્યંત ડરામણા છે. પ્લેન જમીન પર પટકાયા બાદ તેનો કાટમાળ વિખેરાઈ ગયો હતો. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક લોકોની ભારે ભીડ ત્યાં એકઠી થઈ ગઈ હતી. પોલીસ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ વિમાનની હાલત જોઈને જ અકસ્માતની તીવ્રતાનો અંદાજ લગાવી શકાતો હતો.
આ આઘાતજનક સમાચાર મળતાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. તેમણે ઘટનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી અને અજિત પવારના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, અજિત પવાર ગઈકાલે (મંગળવારે) મુંબઈમાં જ હતા. તેમણે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી મહારાષ્ટ્ર કેબિનેટની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કમિટીની બેઠકમાં પણ ભાગ લીધો હતો.
અજિત પવાર મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું નામ હતું. તેઓ મહારાષ્ટ્રના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ઉપમુખ્યમંત્રી હતા અને તેમણે સતત છ વખત આ પદ સંભાળ્યું હતું. અજિત પવારે 1982માં એક સહકારી ખાંડ ફેક્ટરીના બોર્ડમાં ચૂંટાયા બાદ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 1991માં તેઓ પુણે જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેઓ 1991માં બારામતી સંસદીય બેઠક પરથી લોકસભા માટે ચૂંટાયા હતા, પરંતુ બાદમાં આ બેઠક તેમણે તેમના કાકા અને રાજકીય ગુરુ શરદ પવાર માટે ખાલી કરી દીધી હતી.
બારામતી તેમનો ગઢ ગણાતો હતો. તેઓ અહીંથી સાત વખત મહારાષ્ટ્ર વિધાનસભા માટે ચૂંટાયા હતા (1991, 1995, 1999, 2004, 2009, 2014 અને ત્યારબાદ). નવેમ્બર 2019માં, તેમણે એનસીપી ના એક જૂથ સાથે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી સરકારમાં જોડાઈને ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આજના આ અકસ્માતે મહારાષ્ટ્રના રાજકારણમાં એક કદી ન પુરાય તેવી ખોટ સર્જી છે. બારામતી સહિત સમગ્ર રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

