Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના 25 નેતાઓની સુરક્ષા વ્યવસ્થા હટાવાઈ

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલની શિંદે સરકારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના 25 નેતાઓનું ‘વર્ગીકૃત’ સુરક્ષા કવચ હટાવી દીધું છે. સરકારના આ નિર્ણયને પગલે 25 નેતાઓને તેમના ઘરની બહાર કે એસ્કોર્ટની બહાર કાયમી પોલીસ સુરક્ષા નહીં મળે.

ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ 25 નેતાઓનું વર્ગીકૃત સુરક્ષા કવચ હટાવી દેવામાં આવ્યું છે. પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે. એનસીપી પ્રમુખ શરદ પવાર અને તેમની પુત્રી લોકસભા સભ્ય સુપ્રિયા સુલે સહિત ઉદ્ધવ ઠાકરે અને તેમના પરિવારના સભ્યોની સુરક્ષા જાળવવામાં આવી છે, જ્યારે જયંત પાટીલ, છગન ભુજબળ અને જેલમાં બંધ અનિલ દેશમુખ જેવા નેતાઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે.

NCPના ધારાસભ્ય જીતેન્દ્ર આવ્હાડની સુરક્ષા યથાવત રાખવામાં આવી છે, જ્યારે શિવસેના (UBT) સચિવ મિલિંદ નાર્વેકર (ઉદ્ધવ ઠાકરેના વિશ્વાસુ સહાયક)ને ‘વાય-પ્લસ-સિક્યોરિટી’ કવચ આપવામાં આવ્યું છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અજિત પવાર અને ભૂતપૂર્વ ગૃહ પ્રધાન દિલીપ વાલસે પાટીલને  ‘વાય-પ્લસ-એસ્કોર્ટ’ આપવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાઓ અશોક ચવ્હાણ અને પૃથ્વીરાજ ચવ્હાણને ‘વાય’ શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.

અધિકારીના જણાવ્યા અનુસાર, જે નેતાઓની સુરક્ષા દૂર કરવામાં તથા ઓછી કરવામાં આવી છે તેમાં નવાબ મલિક, અનિલ દેશમુખ, છગન ભુજબળ, જયંત પાટીલ, સંજય રાઉત, નીતિન રાઉત, વિજય વડેટ્ટીવાર, બાળાસાહેબ થોરાત, નાના પટોલે, ભાસ્કર જાધવ. સતેજ પાટીલ, ધનંજય મુંડે, સુનીલ કેદારે, નરહરી જીરવાલ, અસલમ શેખ, અનિલ પરબ અને વરુણ સરદેસાઈ જેવા નેતાઓનો સમાવેશ થાય છે.

Exit mobile version