Site icon Revoi.in

મૈનપુરી પેટાચૂંટણીઃ ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષમાં એક કરોડનો વધારો

Social Share

લખનૌઃ ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવે સમાજવાદી પાર્ટી (SP) વતી ઉમેદવારી નોંધાવી હતી. મૈનપુરી સીટ પર 5 ડિસેમ્બરે મતદાન થશે, જ્યારે મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સીટ સપાના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવના નિધન બાદ ખાલી પડી હતી. ડિમ્પલ યાદવની સંપતિમાં ચાર વર્ષના સમયગાળામાં એક કરોડની સંપતિનો વધારો થયો છે.

ડિમ્પલ યાદવે મૈનપુરી લોકસભા પેટાચૂંટણી માટે દાખલ કરેલા સોગંદનામામાં પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે અને જણાવ્યું છે કે તે 14.32 કરોડ રૂપિયાથી વધુની ચલ અને અચલ સંપત્તિની માલિક છે. 2019ની લોકસભા ચૂંટણીમાં કન્નૌજ લોકસભા સીટ પરથી ફાઈલ કરવામાં આવેલી એફિડેવિટ મુજબ ડિમ્પલ યાદવની સંપત્તિમાં આ વખતે 1 કરોડ રૂપિયાનો વધારો થયો છે. તે સમયે ડિમ્પલની સંપત્તિ 13 કરોડ રૂપિયાથી થોડી વધુ હતી.

ડિમ્પલ યાદવે મૈનપુરી લોકસભા સીટ પેટાચૂંટણી માટે સપા ઉમેદવાર તરીકે નોમિનેશન ભર્યું. આ દરમિયાન ફાઈલ કરવામાં આવેલા એફિડેવિટમાં ડિમ્પલે જણાવ્યું હતું કે, તેમની પાસે કુલ 14.32 કરોડની સંપત્તિ છે. જેમાં 4.70 કરોડ રૂપિયાની જંગમ સંપત્તિ અને 9.62 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિનો સમાવેશ થાય છે. એફિડેવિટ અનુસાર, ડિમ્પલ યાદવ પાસે 2774.674 ગ્રામ સોનાના ઘરેણાં અને 203 ગ્રામ મોતી છે, જ્યારે 127.75 કેરેટ હીરા છે. આ તમામની કુલ કિંમત 59.77 લાખ રૂપિયા છે. આ સિવાય ડિમ્પલ યાદવ પાસે 1.25 લાખ રૂપિયાનું કોમ્પ્યુટર છે. જોકે, ડિમ્પલ પાસે કાર કે અન્ય કોઈ વાહન નથી.

ડિમ્પલ યાદવના પતિ અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ પાસે 17.22 કરોડ રૂપિયાની સ્થાવર અને 8.33 કરોડ રૂપિયાથી વધુની જંગમ સંપત્તિ છે. ડિમ્પલ યાદવની એફિડેવિટ મુજબ, સપાના વડા અખિલેશ યાદવ પર 17.2 લાખ રૂપિયાથી વધુનું દેવુ છે, જ્યારે તેમની પત્ની ડિમ્પલ પર 14.26 લાખ રૂપિયાથી વધુનું દેવુ છે.