Site icon Revoi.in

ભારત સરકારનો મોટા નિર્ણય,31 ઓક્ટોબર સુધી રેમડેસિવિર ઇન્જેક્શન પરની આયાત ડ્યૂટી કરી માફ

Social Share

દિલ્હી : દેશમાં કોરોનાના વધતા જતા કેસો વચ્ચે સરકારે મંગળવારે રેમડેસિવિર,તેના કાચા માલ અને વાયરલ રોધી દવા બનાવવામાં ઉપયોગમાં લેવાતી અન્ય ચીજો પર કસ્ટમ્સ ડ્યુટી સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ પગલાથી રેમડેસિવિર ઇન્જેક્શનનો ઘરેલું પુરવઠો વધારવામાં અને ખર્ચ ઘટાડવામાં મદદ મળશે. રેમડેસિવિરનો ઉપયોગ કોરોના વાયરસની સારવારમાં થાય છે.

મહેસૂલ વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે જન હિતમાં આ ઉત્પાદનો પરની કસ્ટમ ડ્યુટી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. જે ઉત્પાદનો પર હવે આયાત શુલ્ક નહીં લાગે.તેમાં રેમડેસિવિર એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઘટકો,ઇન્જેક્શન રેમડેસિવિર અને રેમડેસિવિરના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતા બીટા-સાયક્લોડેક્ટ્રિન સામેલ છે. આયાત શુલ્કની આ છૂટ આ વર્ષે 31 ઓક્ટોબર સુધી લાગૂ રહેશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોવિડ -19 દર્દીઓ માટે સ્વાસ્થ્ય સાર સંભાળની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખીને રેમડેસિવિર એપીઆઈ,ઇન્જેક્શન અને અન્ય સામગ્રીની આયાત શુલ્ક મુક્તિ કરવામાં આવી છે. આનાથી સપ્લાયમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે,જે દર્દીઓને રાહત આપશે. આ અગાઉ 11 એપ્રિલના રોજ રેમડેસિવિરની વધતી માંગને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તેના ઇન્જેક્શન અને એપીઆઇના નિકાસને સ્થિતિમાં સુધાર આવવા સુધી પ્રતિબંધ મૂક્યો હતો.

કૈડિલા હેલ્થકેરે રેમડેકના ઇન્જેક્શનની કિંમત રૂ.2,800 થી ઘટાડીને રૂ 899 કરી દીધી છે. એ જ રીતે સિંજીન ઈન્ટરનેશનલ દ્વારા તેની બ્રાન્ડ રેમવિનની કિંમત 3,950 રૂપિયાથી ઘટાડીને 2,450 કરવામાં આવી છે.

હૈદરાબાદની ડો. રેડ્ડીઝની લેબે રેડવાઇએક્સની કિંમત 5,400 રૂપિયાથી ઘટાડીને રૂ. 2,700 કરી છે. આવી જ રીતે સિપ્લાએ તેની સિપરેમી બ્રાંડની કિંમત 4,000 રૂપિયાથી ઘટાડીને 3,000 કરી દીધી છે અને મેલાને તેની બ્રાન્ડની કિંમત 4,800 રૂપિયાથી ઘટાડીને 3,400 રૂપિયા કરી છે. જુબિલેંટ જેનેરિક્સે તેના રેમડેસિવિરની બ્રાન્ડની કિંમત 4,700 રૂપિયાથી ઘટાડીને 3,400 કરી દીધી છે.