Site icon Revoi.in

શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ, 70 લાખની સોપારી અપાઈ હતી

Social Share

કોલકાતા, 15 મે 2026: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના પર્સનલ આસિસ્ટન્ટ (પીએ) ચંદ્રનાથ રથની સનસનાટીભરી હત્યાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ મોટો ખુલાસો કર્યો છે. વિધાનસભા ચૂંટણી બાદ થયેલી આ હત્યામાં રાજકીય કાવતરાની ગંધ આવી રહી છે. સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધીને સાત સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સિટ)ની રચના કરી છે, જેણે ઉત્તર પ્રદેશ અને બિહારથી ત્રણ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે. ચંદ્રનાથ રથની હત્યા માટે રૂ. 70 લાખની સોપારી આપવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

સુબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંદ્રનાથ રથ બીજા તબક્કાની ચૂંટણી પહેલાથી જ હત્યારાઓના નિશાના પર હતા. જોકે, તે સમયે ભારે ભીડ અને ચુસ્ત સુરક્ષાને કારણે શૂટરો તેમનો પ્લાન પાર પાડી શક્યા ન હતા. તપાસમાં સામે આવ્યું છે કે લગભગ એક મહિના પહેલાથી જ મધ્યમગ્રામ સ્થિત તેમના ઘરની આસપાસ રેકી કરવામાં આવી રહી હતી અને શૂટરો સાથે તેમની લાઈવ લોકેશન અને ફોટા શેર કરવામાં આવતા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ મયંક મિશ્રા, વિકી મૌર્ય અને રાજ સિંહની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ હત્યાકાંડ માટે 70 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. આરોપીઓને ગુપ્તતા જાળવવા માટે ‘સિગ્નલ એપ’ પર ફોટા અને હત્યાનો ઓર્ડર મોકલવામાં આવ્યો હતો. આ સમગ્ર કાવતરાનું કેન્દ્ર મધ્યમગ્રામ હોવાનું બહાર આવ્યું છે.

બક્સરથી ઝડપાયેલા મયંક મિશ્રા અને વિકી મૌર્યએ સીબીઆઈ સમક્ષ મધ્યમગ્રામના એક વ્યક્તિનું નામ કબૂલ્યું છે, જેણે લોકેશન અને ઓર્ડર આપ્યા હતા. હાલમાં સીબીઆઈની સિટ આ વ્યક્તિની શોધમાં છે, જેની ધરપકડ બાદ જ હત્યા પાછળનો મુખ્ય હેતુ સ્પષ્ટ થશે. જોકે, બલિયાથી પકડાયેલો રાજ સિંહ તપાસમાં સહકાર આપી રહ્યો નથી. કોર્ટે ત્રણેય આરોપીઓને 23 મે સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સીબીઆઈ હાલમાં બે મુખ્ય પાસાઓ પર તપાસ કરી રહી છે કે, શું આ હત્યા રાજકીય પ્રતિસ્પર્ધાને કારણે કરવામાં આવી છે કે પછી કોઈ જૂની અંગત અદાવત જવાબદાર છે? અધિકારીઓ સ્પોર્ટ લોકેશનની તપાસ કરી રહ્યા છે અને લાઈવ લોકેશન શેર કરનાર કાવતરાખારો સુધી પહોંચવા માટે બંગાળમાં જ ધામા નાખ્યા છે.

આ પણ વાંચોઃ UAE મારું બીજું ઘર છે, પશ્ચિમ એશિયાના સંકટ સમયે ભારત મિત્ર દેશની પડખેઃ મોદી

Exit mobile version