Site icon Revoi.in

મેક ઇન ઇન્ડિયા: 38 વર્ષ બાદ ભારત ફરી બનાવશે પેસેન્જર પ્લેન

Social Share

હૈદરાબાદ, 28 જાન્યુઆરી 2026: ભારતની સરકારી એરોસ્પેસ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)એ સિવિલ એવિએશન એટલે કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે ધમાકેદાર પુનરાગમન કર્યું છે. હૈદરાબાદમાં યોજાયેલા ‘વિંગ્સ ઈન્ડિયા 2026’ એક્સ્પોમાં HAL એ રશિયન પેસેન્જર પ્લેન સુપરજેટ SJ-100 પ્રદર્શિત કર્યું છે. આ સાથે જ ભારતે લગભગ ચાર દાયકા બાદ ફરીથી પેસેન્જર એરક્રાફ્ટ ઉત્પાદન ક્ષેત્રે કદમ માંડ્યા છે.

ભારત અત્યાર સુધી માત્ર લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટરના ઉત્પાદનમાં મજબૂત હતું, જ્યારે મુસાફર વિમાનો માટે વિદેશ પર નિર્ભર રહેવું પડતું હતું. છેલ્લે HAL દ્વારા ‘એવરો HS-748’ મુસાફર વિમાન બનાવવામાં આવ્યું હતું, જેનું પ્રોડક્શન 1988માં બંધ કરી દેવાયું હતું. હવે, પૂરા 38 વર્ષ બાદ HAL ફરીથી આ ક્ષેત્રમાં સક્રિય થઈ રહ્યું છે, જે ભારતની સંરક્ષણ અને ઉડ્ડયન ક્ષમતા માટે માઇલસ્ટોન સાબિત થશે.

આ પ્રોજેક્ટ માટે 28 ઓક્ટોબર 2025ના રોજ મોસ્કોમાં HAL અને રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન (UAC) વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતી કરવામાં આવી હતી. આ કરાર મુજબ, સુપરજેટ SJ-100 વિમાનનું ઉત્પાદન અને એસેમ્બલી હવે ભારતમાં HAL દ્વારા કરવામાં આવશે. ભારતીય અને રશિયન ટેકનિકલ ટીમો આગામી સમયમાં સંયુક્ત રીતે કામ શરૂ કરશે. આગામી 1 થી 2 વર્ષમાં વિમાનના પરીક્ષણ અને સર્ટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા છે.

સરકારની UDAN યોજના હેઠળ નાના શહેરોને હવાઈ માર્ગે જોડવાનું લક્ષ્ય છે. એવિએશન નિષ્ણાતોના મતે, ભારતને આગામી વર્ષોમાં 200થી વધુ રિજનલ જેટ (Regional Jet) વિમાનોની જરૂર પડશે. SJ-100 આ જરૂરિયાત પૂરી કરવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ વિમાન ઓછી કિંમતે વધુ કનેક્ટિવિટી પૂરી પાડવામાં સક્ષમ છે, જે સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી સસ્તી બનાવી શકે છે.

વિંગ્સ ઈન્ડિયામાં HAL એ માત્ર SJ-100 જ નહીં, પણ પોતાના ધ્રુવ ન્યૂ જનરેશન હેલિકોપ્ટરને પણ રજૂ કર્યું છે. જોકે, SJ-100 એ મુલાકાતીઓ અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓમાં સૌથી વધુ આકર્ષણ જમાવ્યું છે. આ પ્રોજેક્ટનો લાંબા ગાળાનો ધ્યેય ભારતને પેસેન્જર એરક્રાફ્ટ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો છે. ભારત હવે માત્ર વિમાનો ખરીદનાર દેશ જ નહીં, પણ વિમાનો બનાવનાર દેશ તરીકે પણ વિશ્વના નકશા પર ઉભરી રહ્યો છે.

 

Exit mobile version