Site icon Revoi.in

ઘરે નાની-મોટી પાર્ટી માટે બનાવો ખાસ ક્રીમી દહીં કબાબ, નોંધી લો રેસિપી

Social Share

સાંજના નાસ્તામાં કે ઘરમાં નાની-મોટી પાર્ટી હોય ત્યારે ભજિયા અને આલૂ કટલેસ ખાઈને કંટાળી ગયા છો? તો આ વખતે મહેમાનો માટે કંઈક શાહી અને સ્વાદિષ્ટ ટ્રાય કરો. તો કંઈક નવુ ટ્રાય કરવુ હોય તો દહીં કબાબ બનાવવો. આ કબાબ બહારથી જેટલા ક્રિસ્પી અને કુરકુરા હોય છે, અંદરથી તેટલા જ સોફ્ટ અને ક્રીમી હોય છે. તેનો સ્વાદ એટલો અદ્ભુત હોય છે કે ખાનાર વ્યક્તિ આંગળા ચાટતી રહી જાય છે. સૌથી સારી વાત એ છે કે આ રેસિપી ઘરમાં હાજર સામાન્ય સામગ્રીથી ઝટપટ બની જાય છે.

ઘી: દોઢ મોટી ચમચી

કાજુ: અડધો કપ (સાંતળેલા અને બારીક સમારેલા)

તળેલી ડુંગળી: અડધો કપ (ઝીણી સમારેલી)

વરિયાળી: 1 નાની ચમચી (અધકચરી વાટેલી)

લીલા મરચાં: 2 નંગ (બારીક સમારેલા)

લીલી કોથમીર: પોણો કપ (ઝીણી સમારેલી)

લાલ મરચું પાવડર: અડધી નાની ચમચી

શેકેલું જીરું પાવડર: અડધી નાની ચમચી

ઘટ્ટ ગાળેલું દહીં : 2 મોટી ચમચી

મીઠું: સ્વાદાનુસાર

ઘટ્ટ ગાળેલું દહીં: જરૂરિયાત મુજબ

બ્રેડનો ચૂરો: બાઈન્ડિંગ અને કોટિંગ માટે

કચરેલા પૌઆ: બહારના ક્રિસ્પી લેયર માટે

ચણાનો લોટ (બેસન): બાઈન્ડિંગ માટે

જાયફળ: 1 ચપટી (છીણેલું)

મરી પાઉડર: અડધી નાની ચમચી

તેલ: ફ્રાય કરવા માટે જરૂરિયાત મુજબ

મીઠું: સ્વાદાનુસાર

સૌપ્રથમ એક પેનમાં ઘી ગરમ કરીને કાજુને સોનેરી થાય ત્યાં સુધી સારી રીતે સાંતળી લો. ત્યારબાદ તેને પ્લેટમાં કાઢીને બારીક ટુકડા કરી લો. હવે એક બાઉલમાં આ શેકેલા કાજુના ટુકડા સાથે તળેલી ડુંગળી, વાટેલી વરિયાળી, લીલા મરચાં, કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર અને શેકેલું જીરું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અંતમાં, આ મિશ્રણમાં ઘટ્ટ દહીં ઉમેરીને આખા મિશ્રણને એકરસ કરી લો અને સ્ટફિંગને બાજુ પર મૂકો. એક અલગ પ્લેટમાં બ્રેડનો ચૂરો અને કચરેલા પૌઆને સરખી રીતે ભેગા કરીને કોટિંગ માટે તૈયાર રાખો.

એક મોટા વાસણમાં ઘટ્ટ ગાળેલું દહીં, મીઠું, મરી પાવડર, થોડો બ્રેડનો ચૂરો, છીણેલું જાયફળ અને ચણાનો લોટ (બેસન) ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો. હવે આ દહીંવાળા મિશ્રણનો એક નાનો ભાગ હથેળી પર ફેલાવી, તેની વચ્ચે તૈયાર કરેલું કાજુવાળું સ્ટફિંગ ભરો. ત્યારપછી તેને ચારેય બાજુથી બરાબર બંધ કરીને ગોળ બોલ અથવા કબાબનો આકાર આપી દો. આ તૈયાર થયેલા કબાબને બ્રેડ ક્રમ્બ્સ્ અને પૌઆના મિશ્રણમાં સારી રીતે લપેટી (કોટ કરી) લો, જેથી બહારનું પડ એકદમ કુરકુરું બને. બધા જ કબાબ આ રીતે તૈયાર થઈ ગયા પછી તેને માત્ર 5 મિનિટ માટે ફ્રિજમાં મૂકી રાખો જેથી તેનો આકાર પ્રોપર સેટ થઈ જાય. અંતમાં, એક કઢાઈમાં તેલ ગરમ કરી મધ્યમ આંચ પર કબાબને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરી લો.

તમારા ગરમાગરમ અને લજ્જતદાર દહીંના કબાબ તૈયાર છે! તેને ફુદીનાની લીલી ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

Exit mobile version