સામાન્ય રીતે વ્રત કે ઉપવાસ દરમિયાન લોકો ફરાળી ભોજન કરવાનું પસંદ કરતા હોય છે. મોટાભાગના ઘરોમાં ઉપવાસમાં સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી કે સાબુદાણાના વડા જ બનાવવામાં આવે છે. પરંતુ જો તમે દર વખતે એક સરખું ફરાળી આહાર ખાઈને કંટાળ્યા છો અને કંઈક ચટાકેદાર ખાવા માંગો છો, તો આજે અમે તમને એક સ્વાદિષ્ટ અને ઝટપટ બની જતો ઓપ્શન જણાવીશું. આ નાસ્તો બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, જેથી ઓફિસ જતી વર્કિંગ વુમન માટે રાત્રિના ડિનર અથવા સાંજના નાસ્તા માટે આ બેસ્ટ ઓપ્શન છે. ઓછી સામગ્રીમાં જો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તાનો આનંદ લેવો હોય તો ‘ફરાળી ચાટ’ ઉત્તમ છે. બટાકા અને શક્કરિયામાંથી બનતી આ સ્પેશિયલ ચાટની સરળ રેસીપી નીચે મુજબ છે:
-
ફરાળી ચાટ બનાવવા માટેની જરૂરી સામગ્રી
શક્કરિયા: 1 નંગ (બાફેલું)
બટાકા: 1 નંગ (બાફેલું)
ટામેટા: 1 નંગ (ઝીણું સમારેલું)
કેપ્સિકમ મરચું: 1 નંગ (ઝીણું સમારેલું)
કાચી કેરી: 1 નંગ (ઝીણી સમારેલી – સ્વાદ અનુસાર)
લીંબુનો રસ: અડધી ચમચી
દાડમના દાણા: 1 ટેબલસ્પૂન
શેકેલા સિંગદાણાનો અધકચરો ભૂકો: 1 ચમચી
કોથમીર-મરચાની ફરાળી ચટણી: જરૂરિયાત મુજબ
ફરાળી ચાટ મસાલો અથવા સિંધવ મીઠું: સ્વાદ અનુસાર
કોથમીર: ગાર્નિશિંગ માટે
-
બનાવવાની સરળ રીત
સૌપ્રથમ બટાકા અને શક્કરિયાને પાણીથી બરાબર ધોઈ નાખો. ત્યારબાદ તેને કુકરમાં બાફવા માટે મૂકો. કુકરમાં ફક્ત 2 સીટી વાગે એટલે ગેસ સ્ટવ બંધ કરી દેવો જેથી તે વધુ પડતા ગળી ન જાય. કુકર ઠંડુ થાય એટલે બટાકા-શક્કરિયાને બહાર કાઢી, તેની છાલ ઉતારી લો. હવે બાફેલા બટાકા અને શક્કરિયાના મધ્યમ કદના ચોરસ ટુકડા કરી લો. તેની સાથે જ કેપ્સિકમ મરચાં, કાચી કેરી અને ટામેટાને પણ ઝીણા સમારી લો. હવે એક મોટું વાસણ (બાઉલ) લો. તેમાં સમારેલા બટાકા, શક્કરિયા, કેપ્સિકમ, કાચી કેરી અને ટામેટા ઉમેરો. ત્યારબાદ તેમાં સિંગદાણાનો ભૂકો, દાડમના દાણા, ફરાળી ચાટ મસાલો (અથવા સિંધવ મીઠું) અને લીંબુનો રસ ઉમેરી ચમચી વડે બધી સામગ્રીને હળવા હાથે બરાબર મિક્સ કરી લો. સામગ્રી બરાબર મિક્સ થઈ ગયા પછી ઉપરથી લીલી કોથમીરની ફરાળી ચટણી ઉમેરો અને ઝીણી સમારેલી કોથમીરથી સજાવટ કરો. જો તમે આ ફરાળી ચાટને વધુ ક્રંચી અને ટેસ્ટી બનાવવા માંગતા હોવ, તો સર્વ કરતી વખતે ઉપરથી થોડો ‘ફરાળી ચેવડો’ અથવા ‘ફરાળી સેવ’ પણ ઉમેરી શકો છો.

