ઘણીવાર એવું બને છે કે ઘરમાં શાકભાજી ખતમ થઈ જાય છે અથવા રોજ એકનું એક શાક ખાઈને કંટાળો આવે છે. આવા સમયે રસોડામાં રહેલા દેશી (કાળા) ચણા’ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. કાળા ચણા માત્ર પ્રોટીનથી ભરપૂર નથી, પરંતુ તેમાંથી બનતી દરેક વાનગી સ્વાદમાં પણ લાજવાબ હોય છે. આજે અમે તમને કાળા ચણામાંથી બનતી કેટલીક ખાસ રેસીપી આઈડિયાઝ વિશે જણાવીશું.
- ચટાકેદાર ચણા ચાટ
કાળા ચણાની ચાટ સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ નાસ્તો છે. સૌ પ્રથમ કાળા ચણાને રાત્રે પલાળીને સવારે ઉકાળી લો. હવે એક વાસણમાં ઉકાળેલા ચણા લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી, ટામેટાં, લીલાં મરચાં અને કોથમીર મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું, ચાટ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરો. તૈયાર છે પ્રોટીનયુક્ત કાળા ચણાની ચાટ.
- કાળા ચણા મસાલા
ડિનર કે લંચ માટે ચણા મસાલા એક ઉત્તમ વિકલ્પ છે, જેને રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. એક કડાઈમાં તેલ ગરમ કરી ડુંગળીને સોનેરી થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, ટામેટાં અને નિયમિત મસાલા ઉમેરી બરાબર પકવો. ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં ઉકાળેલા ચણા ઉમેરો અને થોડું પાણી નાખી ધીમી આંચ પર ચઢવા દો. ગ્રેવી ઘટ્ટ થાય એટલે ગરમા-ગરમ સર્વ કરો.
- ચણાના ભજીયા
સાંજે ચા સાથે કંઈક નવું ખાવાનું મન થાય ત્યારે ચણાના પકોડા બેસ્ટ ઓપ્શન છે. ઉકાળેલા કાળા ચણાને હળવા હાથે મેશ (અધકચરા કચરી) કરી લો. તેમાં ચણાનો લોટ, ડુંગળી, લીલાં મરચાં અને મસાલા ઉમેરો. જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે ગરમ તેલમાં નાના-નાના પકોડા તળી લો. સોનેરી રંગના થાય એટલે તેને ગ્રીન ચટણી સાથે માણો.
- કાળા ચણાની ટિક્કી
બાળકોથી લઈને વડીલો સુધી દરેકને કાળા ચણાની ટિક્કી ખૂબ જ પસંદ આવશે. ઉકાળેલા કાળા ચણા અને બાફેલા બટાકાને બરાબર મેશ કરી લો. તેમાં ડુંગળી, મરચાં, ધાણા અને ગરમ મસાલો ઉમેરો. હવે નાની-નાની ટિક્કી વાળી લો. તવા પર થોડું તેલ મૂકી બંને બાજુ સોનેરી થાય ત્યાં સુધી શેકી લો. ગરમા-ગરમ ટિક્કીને કેચઅપ કે દહીં સાથે પીરસો.

