Site icon Revoi.in

ઉનાળામાં ગ્લોઇંગ સ્કીન માટે ઘરે જ બનાવો આ 4 નેચરલ ક્લીન્ઝર

Social Share

આજના સમયમાં ત્વચાની દેખરેખ માટે બજારમાં અસંખ્ય બ્યૂટી પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે. ઘણીવાર તો એટલું કન્ફ્યુઝન થાય છે કે કયું પ્રોડક્ટ લેવું અને કયું ટાળવું! વળી, આ બ્રાન્ડેડ પ્રોડક્ટ્સના ભાવ પણ આસમાને હોય છે અને તેમાં રહેલા કેમિકલ્સ લાંબા ગાળે ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે ક્લિયર અને ગ્લોઇંગ સ્કીન મેળવવાની વાત આવે, ત્યારે સ્કીન કેરનું પહેલું અને સૌથી મહત્ત્વનું સ્ટેપ છે ‘ક્લીન્ઝિંગ’ (ચહેરો સાફ કરવો). બજારના મોંઘા ફેસવોશ વાપરવા કરતાં આપણા રસોડામાં જ એવી ઘણી નેચરલ વસ્તુઓ છે, જેનાથી ચહેરો ધોવામાં આવે તો બમણું અને શાનદાર રિઝલ્ટ મળી શકે છે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં જ્યારે તડકો, પરસેવો અને ધૂળને કારણે ચહેરા પર ડલનેસ, પિમ્પલ્સ અને રેશિઝ થઈ જાય છે, ત્યારે આ નેચરલ ક્લીન્ઝર વરદાન સાબિત થાય છે.

દહીંથી ફેસવોશ કરવું એ જૂનો અને જાણીતો નુસખો છે. તે ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરવાની સાથે ભેજ પણ આપે છે. દહીંમાં ચપટી હળદર ઉમેરો. જો તમારી સ્કીન ડ્રાય (સૂકી) હોય તો તેમાં થોડું મધ પણ ઉમેરો. આ મિશ્રણને ચહેરા પર લગાવી ૨ મિનિટ હળવા હાથે મસાજ કરો અને પછી ચહેરો ધોઈ લો. આનાથી સન ટેનિંગ દૂર થશે અને રંગત નીખરશે.

જો ચહેરા પર ડેડ સ્કીન (મૃત કોષો) જમા થઈ ગઈ હોય અને રોમછિદ્રોની ઊંડાણપૂર્વક સફાઈ કરવી હોય, તો આ મિશ્રણ ઉત્તમ છે. તાજું એલોવેરા જેલ, ઓટમીલ પાઉડર અને થોડું કાચું દૂધ મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર લગાવી ગોળાકારમાં મસાજ કરો અને ત્યારબાદ નોર્મલ પાણીથી ચહેરો સાફ કરી લો.

તમારી ત્વચા ડ્રાય હોય, ઓઇલી હોય કે પછી મિક્સ હોય, આ ફેસવોશ દરેકને માફક આવશે. બેસન (ચણાનો લોટ), મધ, એલોવેરા અને ગુલાબજળને મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવી હળવા હાથે મસાજ કરતા કરતા ચહેરો સાફ કરો. આનાથી ચહેરાનું વધારાનું ઓઈલ પણ દૂર થશે અને સ્કીન ડ્રાય પણ નહીં થાય.

જો તમે રોજ પેસ્ટ ન બનાવવા માંગતા હોવ, તો આ પાવડર બનાવીને સ્ટોર કરી શકો છો. સરખા ભાગે કસ્તૂરી હળદર, મુલતાની માટી અને ચોખાનો લોટ લો. તેમાં આ ત્રણેયના પ્રમાણથી બમણું બેસન અને બમણો ચંદન પાઉડર ઉમેરો. આ બધું બરાબર મિક્સ કરી એક એર-ટાઇટ ડબ્બામાં ભરી લો. જ્યારે પણ ફેસવોશ કરવું હોય ત્યારે એક વાટકીમાં થોડો પાઉડર કાઢી, તેમાં ગુલાબજળ અથવા દૂધ ઉમેરી પેસ્ટ બનાવો અને ચહેરો ધોઈ લો. થોડા જ દિવસોમાં તમને ચહેરા પર કમાલનો નિખાર જોવા મળશે.

Exit mobile version