Site icon Revoi.in

મગફળીમાંથી ઘરે બનાવો આ 4 ટેસ્ટી અને હેલ્ધી વાનગી, જાણો રેસીપી

Social Share

મોટાભાગના લોકોને મગફળી ખાવાનો ખૂબ શોખ હોય છે. સામાન્ય રીતે લોકો તેને માત્ર સ્નેક્સ તરીકે જ ખાતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે મગફળીમાંથી અનેક પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ પણ બનાવી શકાય છે? જો તમે પણ મગફળીમાંથી કંઈક નવું અને હેલ્ધી ટ્રાય કરવા માંગતા હોવ, તો આ રેસિપી આઈડિયાઝ તમારા માટે બેસ્ટ સાબિત થશે.

મગફળીની ચટણી બનાવવા માટે સૌથી પહેલા મગફળીને ધીમા તાપે શેકી લો અને તેના ફોતરાં કાઢી લો. હવે એક મિક્સરમાં શેકેલી મગફળી, લસણની કળીઓ, લીલા મરચાં, સ્વાદ મુજબ મીઠું અને થોડો લીંબુનો રસ ઉમેરીને પીસી લો. તૈયાર છે તમારી સ્વાદિષ્ટ ચટણી! આ ચટણીને તમે ઇડલી, ઢોસા કે ગરમાગરમ પરાઠા સાથે સર્વ કરી શકો છો.

જો તમે ડાયટ પર હોવ તો મગફળીનું સલાડ શ્રેષ્ઠ વિકલ્પ છે. આ માટે બાફેલી અથવા શેકેલી મગફળી લો. એક બાઉલમાં મગફળી સાથે ઝીણી સમારેલી ડુંગળી, ટામેટા, લીલા મરચાં અને કોથમીર મિક્સ કરો. સ્વાદ માટે તેમાં મીઠું, સંચળ અને લીંબુનો રસ ઉમેરો. ઉપરથી થોડો ચાટ મસાલો છાંટવાથી આ સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લાગે છે.

ગુજરાતીઓના ઘરમાં ચીકી ન હોય તેવું ભાગ્યે જ બને. મગફળીની ચીકી બનાવવા માટે મગફળીને શેકીને સાફ કરી લો. એક કડાઈમાં ગોળ લઈ તેને ધીમા તાપે ઓગાળો. ગોળનો પાયો તૈયાર થાય એટલે તેમાં મગફળી ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ઘી લગાવેલી થાળી પર આ મિશ્રણ પાથરી વેલણની મદદથી વણી લો. થોડું ઠંડુ થાય એટલે મનગમતા આકારમાં કાપી લો.

ગળ્યું ખાવાના શોખીનો માટે મગફળીના લાડુ બેસ્ટ છે. આ માટે મગફળીને શેકી, ફોતરાં કાઢીને મિક્સરમાં અધકચરી પીસી લો. હવે તેમાં ઓગાળેલો ગોળ મિક્સ કરી નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે.

Exit mobile version