Site icon Revoi.in

ભાવનગરના મહુવાનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાતા હેઠવાસના ગામોને કરાયા એલર્ટ

Social Share

ભાવનગરઃ ચોમાસાના પ્રારંભથી જ ગોહિલવાડ પંથકમાં સારોએવો વરસાદ પડ્યો છે. જેના લીધે જળાશયોમાં નવા નીરની સારીએવી આવક થઈ છે. ભાવનગરના ગૌરીશંકર તળાવ (બોર તળાવ), શેત્રુંજી ડેમમાં પણ વર્ષ સુધી ચાલે તેટલા પાણીની આવક થઈ છે. જ્યારે મહુવા તાલુકાના ખૂંટવડા ગામ નજીક માલણ નદી પરનો ડેમ 70 ટકાથી વધુ ભરાઈ જતાં નદી કાંઠાના હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામ પાસે આવેલી માલણ નદી ઉપરનો માલણ ડેમ 70 ટકાથી વધુ ભરાઈ ગયો છે. જેથી હેઠવાસના ગામોને એલર્ટ કરી દેવાયા છે. રાતના સમયે ડેમમાં 280 ક્યૂસેકની આવક જારી રહી હતી. જિલ્લાના  ડઝન મોટા જળાશયો પૈકીના મહુવા તાલુકાના રોજકી જળાશયની સપાટીમાં પણ ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 103 મીટરે પહોંચવા સાથે 70 ટકા ડેમ ભરાઈ ગયો છે. જેથી ડેમની હેઠવાસમાં આવેલા મોટા ખુંટવડા, ગોરસ, સાંગણિયા, કુંભણ, નાનાજાદરા, તાવીડા મહુવા શહેર કતપર ગામને એલર્ટ કરી દેવાયા છે. ડેમમાં ધીમી ગતિએ નવા નીરની આવક શરૂ છે. જેથી ગમે ત્યારે ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે.

ભાવનગરના ડેમ સ્ત્રાવ વિસ્તારમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં શેત્રુંજી ડેમ સ્ત્રાવમાં 10 મીમી, રજાવળ ડેમ પર 15 મીમી, ખારો ડેમ પર 10 મીમી માલણ ડેમ પર 4 મીમી લાખણકા ડેમ સ્ત્રાવમાં 5 મીમી, બગડ ડેમ પર 53 મીમી અને રોજકી ડેમ સ્ત્રાવ વિસ્તારમાં 15 મીમી વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં સમયાંતરે પડતા વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક વધતી જાય છે.