કુઆલાલમ્પુર, 1 જૂન, 2026: બાળકોના માનસિક વિકાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને મલેશિયા સરકારે સોશિયલ મીડિયાના વપરાશ અંગે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લીધો છે. સોમવારથી અમલમાં આવેલા નવા નિયમ અનુસાર, હવે મલેશિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર પોતાના એકાઉન્ટ બનાવી શકશે નહીં. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક અને યુટ્યુબ જેવા તમામ મોટા પ્લેટફોર્મ્સે હવે કોઈપણ નવું એકાઉન્ટ ખોલતા પહેલા યુઝરની ઉંમરની ચકાસણી કરવી ફરજિયાત રહેશે.
સરકારે આ નિયમનું પાલન કરાવવા માટે સોશિયલ મીડિયા કંપનીઓ પર આકરી લગામ કસી છે. જો કોઈ કંપની આ નિયમનો ભંગ કરશે અથવા 16 વર્ષથી નાની ઉંમરના બાળકને એકાઉન્ટ બનાવવા દેશે, તો તેના પર 25 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. જો કે, આ નિયમમાં વાલીઓને મોટી રાહત આપવામાં આવી છે. જો કોઈ બાળક કોઈપણ રીતે (છૂપી રીતે) એકાઉન્ટ બનાવી લે છે, તો તેના માટે તેના માતા-પિતાને સજા કરવામાં આવશે નહીં.
મલેશિયા સરકારના જણાવ્યા અનુસાર, આ પગલાનો હેતુ બાળકોને ઇન્ટરનેટથી વંચિત રાખવાનો નથી, પરંતુ ડિજિટલ દુનિયામાં તેમને સુરક્ષિત રાખવાનો છે. બાળકોને સોશિયલ મીડિયા પર પીરસાતા ખરાબ અને અશ્લીલ કન્ટેન્ટથી બચાવવા, સાયબર બુલિંગ (ઓનલાઈન હેરાનગતિ)નો ભોગ બનતા અટકાવવા તથા સ્ક્રીન ટાઈમ ઘટાડીને બાળકોમાં ઓનલાઈન રહેવાની લત (મોબાઈલ એડિક્શન) ઓછી કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આ નવો સેફ્ટી ફીચર સેટઅપ તૈયાર કરવા માટે સરકારે ચોક્કસ સમય મર્યાદા પણ આપી છે.
-
ઓસ્ટ્રેલિયામાં સૌ પ્રથમવાર પ્રતિબંધ લાગ્યો હતો
દુનિયામાં સૌથી પહેલા ઑસ્ટ્રેલિયાએ 10 ડિસેમ્બર 2025થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ અને ટિકટોક જેવા પ્લેટફોર્મ સંપૂર્ણપણે બેન કરી દીધા છે. બ્રાઝિલ અને ઇન્ડોનેશિયામાં પણ 16 વર્ષના બાળકો માટે આવા જ કડક નિયમો અમલમાં છે. ફ્રાન્સમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પ્રતિબંધનો પ્રસ્તાવ છે. નીચલા અને ઉપલા ગૃહમાં આ બિલ પાસ થઈ ગયું છે, પરંતુ અંતિમ મંજૂરી હજી બાકી છે.
આ નિયમો વચ્ચે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની ‘મેટા’એ સરકારના આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી છે. મેટાનું કહેવું છે કે આવા કડક પ્રતિબંધો ઉલટાનું નુકસાન કરી શકે છે. મેટાના જણાવ્યા અનુસાર, પ્રતિબંધના કારણે બાળકો આ સુરક્ષિત અને જાણીતી એપ્સ છોડીને એવા ડાર્ક વેબ કે અજ્ઞાત પ્લેટફોર્મ તરફ વળી શકે છે જ્યાં કોઈનું નિયંત્રણ નથી. જો આવું થશે, તો બાળકો ઓનલાઈન ઈન્ટરનેટના જોખમોથી બચવાને બદલે વધુ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

