Site icon Revoi.in

માલધારીઓ અને માછીમારોને પણ હવે ઓછા વ્યાજની લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ અપાશે: રૂપાલા

Social Share

રાજકોટઃ  સરકાર દ્વારા કિસાનોને ક્રેડિટ કાર્ડના માધ્યમથી કોઈપણ જાતના મોર્ગેજ વગર ઓછા વ્યાજે લોન આપવામાં આવે છે તે પ્રકારની વ્યવસ્થા માછીમારો અને માલધારીઓને પણ હવે મળશે તેવી જાહેરાત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કરી છે.

જનઆશીર્વાદ યાત્રાના અનુસંધાને સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં ખેડૂતો દ્વારા બે પાક વચ્ચેનું અંતર ઘટાડવા પરાડી બાળી નાખવામાં આવતી હોય છે તેના કારણે પ્રદૂષણના મોટા પ્રશ્નો ઉભા થાય છે. આ પરાડીનો ઉપયોગ ગુજરાત સહિતના દેશના અન્ય રાજ્યોમાં પશુઓના ઘાસચારા માટે થઈ શકે કે કેમ ? તે નકકી કરવા માટે કેન્દ્ર સરકારે પર્યાવરણ મંત્રી, કૃષિમંત્રી, રેલમંત્રી વગેરેનો સમાવેશ કરીને એક કમિટીની રચના કરી છે. આ કમિટી ટૂંક સમયમાં તેનો રિપોર્ટ સોંપી દેશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પ્રથમ દિવસે પહેલું કામ નર્મદાના પાણી સાબરમતીમાં છોડવાનું કામ કર્યું હતું અને વડાપ્રધાન બન્યા બાદ નર્મદા ડેમના દરવાજા અને ઉંચાઈ વધારવાનો નિર્ણય લઈ પાણીનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. આવી જ રીતે ગ્રામ્યકક્ષાએ સરપંચોને સત્તા અને આર્થિક સહાય દ્વારા વધુ મજબૂત બનાવીને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો ઝડપી બનાવ્યા હતા.

એક સવાલના જવાબમાં તેમણે ઉમેર્યુ હતું કે, વરસાદની ખેંચના કારણે જળાશયોનો પાણીનો જથ્થો ઓછો છે. પીવાના પાણીને પ્રાધાન્ય આપીને બાકીનો જથ્થો ખેતી માટે છોડવામાં આવશે. અવારનવાર યાત્રા એ ચૂંટણીલક્ષી રાજકારણ છે કે કેમ ? તેવા સવાલના જવાબમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, યાત્રા એ ભાજપનું અને આ દેશનું કલ્ચર છે.

કાશ્મીરથી કન્યાકુમારીની, સોમનાથથી અયોધ્યાની એવી અનેક યાત્રાઓ ભાજપે ભૂતકાળમાં આપી છે. ભાજપ એ દેશની સંસ્કૃતિનો એક ભાગ છે અને યાત્રાને ચૂંટણીના રાજકારણ સાથે ન જોડવું જોઈએ. આજે પત્રકાર પરિષદમાં રૂપાલા ઉપરાંત ગુજરાત સરકારના કેબિનેટમંત્રી આર.સી. ફળદુ, કુંવરજીભાઈ બાવળિયા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધનસુખભાઈ ભંડેરી, રાજુભાઈ ધ્રુવ, ડો.ભરત બોઘરા, મનિષભાઈ ચાંગેલા, નાગદાન ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version