Site icon Revoi.in

મમતા બેનર્જી કરશે કૉંગ્રેસના ચૌધરીને અધીર, બહરામપુરથી ક્રિકેટર યૂસુફ પઠાણ ટીએમસીના ઉમેદવાર

Social Share

કોલકત્તા: ભૂતપૂર્વ ક્રિકેટર યૂસુફ પઠાણ પણ આ વખતે લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ તેઓ ગુજરાતથી નહીં, પણ પશ્ચિમ બંગાળથી ચૂંટણી લડવાના છે.

યૂસુફ પઠાણને પશ્ચિમ બંગાળની સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. એક રેલી દરમિયાન મમતા બેનર્જીએ તેમના નામની ટીએમસીના ઉમેદવાર તરીકે ઘોષણા કરી છે.

ટીએમસીએ યૂસુફ પઠાણને બહરામપુર બેઠક પરથી ઉતારીને કોંગ્રેસ અને ખાસ કરીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અધીર રંજન ચૌધરી માટે લડાઈને કપરી બનાવી દીધી છે.

આ બેઠક પરથી કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા અધીર રંજન ચૌધરી સાંસદ છે. તેવામાં મશહૂર ક્રિકેટર યૂસુફ પઠાણને ઉતારીને મમતા બેનર્જીએ મોટો ખેલ કરી દીધો છે.

આ પહેલા વિપક્ષી ઈન્ડિયા ગઠબંધનની પટના, બેંગાલુરુ અને મુંબઈ બેઠકોમાં વિપક્ષી દળો વચ્ચે સીટ શેયરિંગને લઈને મતભેદો સપાટી પર આવવા લાગ્યા હતા. તે વખતે ટીએમસીએ પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસને 42માંથી 2 સીટો લડવા માટે ઓફર કરી હતી.

તેનાથી નારાજ પશ્ચિમ બંગાળ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરીએ ટીએમસી અને મમતા બેનર્જી પર આકરા વાકપ્રહારો કર્યા હતા. તેના પછી ડેમેજ કંટ્રોલની કોશિશો વચ્ચે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળમાં 42 બેઠકો પર એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કરી હતી.