સિએટલ (અમેરિકા) 8 જૂન 2026: અમેરિકાના સિએટલ શહેરમાં પ્રમોશન એન્ડ ટેસ્ટિંગ ઇવેન્ટ ઓફ ઇન્ડિયન મેંગોઝ” (Mango Magic Festival) ની બીજી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય ફળોના 100 થી વધુ અગ્રણી આયાતકારો અને અમેરિકાના જાણીતા રિટેલર ‘કોસ્ટકો’ (Costco) ના વરિષ્ઠ નેતૃત્વ સહિતના મહાનુભાવોએ આ ઉત્સવમાં ભાગ લીધો હતો.
આ ઇવેન્ટમાં પ્રદર્શન માટે મૂકવામાં આવેલી ભારતની 7 પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરીની જાતોનો તેમણે સ્વાદ માણ્યો હતો. જેમાં મહારાષ્ટ્રની અલ્ફોન્સો (હાફુસ) અને કેસર, આંધ્રપ્રદેશની બંગનપલ્લી અને હિમાયત, ઉત્તર પ્રદેશની લંગડા અને દશેરી તેમજ ગુજરાતની પાકેલી રાજાપુરી કેરીનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે ભાજપના સભ્યોએ ઉમેદવારી નોંધાવી
આ મેંગો ફેસ્ટિવલમાં હાજર રહેલા કોસ્ટકો હોલસેલના વાઇસ પ્રેસિડેન્ટ બોબ હસ્કીએ જણાવ્યું હતું કે, તેમણે તાજેતરમાં જ ભારતીય કેસર કેરીનું વેચાણ શરૂ કર્યું છે અને તેનો સ્ટોક બજારમાં લાવવામાં આવે તે પહેલાં જ તે ખૂબ જ ઝડપથી વેચાઈ જાય છે.
જ્યારે વોશિંગ્ટનના સેનેટર મનકા ઢીંગરાએ જણાવ્યું હતું કે, ભોજન અને સ્વાદ પર આધારિત આવા સંબંધો વેપાર, અર્થશાસ્ત્ર અને વ્યાપારી સંબંધોને ખરા અર્થમાં મજબૂત બનાવે છે.
ગયા વર્ષથી શરૂ થઈ હતી આ વિશેષ પહેલ
સિએટલ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલ દ્વારા ગયા વર્ષે જુલાઈ મહિનામાં સિએટલમાં ભારતીય કેરીઓ રજૂ કરવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી હતી. અમેરિકાના ગ્રાહકો માટે કોસ્ટકો જેવા મોટા રિટેલ સ્ટોર્સ પર ભારતીય કેરીની નવી પ્રીમિયમ જાતો ઉપલબ્ધ કરાવી શકાય તે માટે ભારત અને ગ્રેટર સિએટલ વિસ્તારના વિવિધ સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારી કરવામાં આવી હતી.
આ વર્ષે એપ્રિલ મહિનામાં કોસ્ટકોના સીઈઓ (CEO) સાથેની મુલાકાત બાદ આ પ્રયાસોને મોટો વેગ મળ્યો હતો, જેના પગલે આ પ્રદેશના કોસ્ટકો સ્ટોર્સ પર સૌપ્રથમ મહારાષ્ટ્રની ‘ભગવા’ જાતની દાડમ રજૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ કેસર કેરીનું વેચાણ શરૂ કરાયું હતું.
આ પણ વાંચોઃ BAOU ખાતે ‘BIMSTEC રિસર્ચ સેન્ટર’ અને ‘નૉલેજ લૅબ’ની સ્થાપના થવી જોઈએઃ ડૉ. અમીબેન ઉપાધ્યાય
વિશ્વમાં ભારત કેરીનું સૌથી મોટું ઉત્પાદક
ભારત હાલમાં વિશ્વમાં કેરીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જ્યાં વાર્ષિક 26 મિલિયન મેટ્રિક ટન કરતાં વધુ કેરીનું ઉત્પાદન થાય છે અને અહીં 1000થી વધુ નામ ધરાવતી કેરીની વિવિધ જાતો અસ્તિત્વમાં છે.
તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ માં ભારતીય કેરીની સમૃદ્ધ વિવિધતા વિશે વાત કરી હતી અને ગામડાથી વૈશ્વિક બજાર સુધીની આ સફર ખેડવા બદલ ભારતના કેરી પકવતા ખેડૂતોની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

