Site icon Revoi.in

રાજ્યમાં 10 વર્ષથી ગ્રંથપાલોની અનેક જગ્યાઓ ખાલી પણ સરકારને ભરતીમાં રસ નથી

Social Share

ગાંધીનગરઃ રાજ્યમાં સરકાર હસ્તક અનેક લાયબ્રેરીઓ આવેલી છે, તેમજ સરકારી શાળા કોલેજોમાં પણ પણ લાયબ્રેરીઓ આવેલી છે,  વિદ્યાર્થીઓથી લઈને વાંચનના શોખીનો પણ નિયમિત લાયબ્રેરીઓની મુલાકાત લઈ રહ્યા છે. પરંતુ મોટાભાગની લાયબ્રેરીઓમાં ગ્રંથપાલોની જગ્યાઓ ખાલી છે. સરકારને ગ્રંથપાલની જગ્યાઓ ભરવા માટે કોઈરસ ન હોય એવું લાગી રહ્યું છે. શાળા-કોલેજોની લાયબ્રેરીમાં ગ્રંથપાલની ભરતી માટે છેલ્લા 10 વર્ષ થી રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવ્યો નથી ત્યારે હવે ગુજરાતની મહિલા ગ્રંથપાલોએ 78મું આવેદનપત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે દિલ્હી જવાનું નક્કી કર્યુ છે. ગ્રંથપાલની ભરતી માટે રાજ્ય સરકારની ઉદાસીનતા અંગે રજૂઆત કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની મહિલા બેરોજગાર ગ્રંથપાલોએ 23 વર્ષથી ખાલી પડેલી ગ્રંથપાલની જગ્યા ભરવા શિક્ષણમંત્રી અને નાણાં મંત્રીને પણ આવેદનપત્ર આપ્યું હતું. આ આવેદનપત્રમાં એવી રજૂઆત કરાઈ હતી.  કે, વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વકાંક્ષી અભિયાન વાંચે ગુજરાત શરૂ કરાવ્યું હતું જેમાં પણ ગ્રંથપાલોની અવગણના કરવામાં આવી હતી. આ અભિયાન 100 ટકા નિષ્ફળ નીવડયું અને માત્ર કાગળ પર જ રહ્યું હતું. હાલમાં રાજ્યની મોટભાગના જાહેર ગ્રંથાલય પણ સ્ટાફ વગર ચાલે છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ કોલેજોમાં 357માંથી 260 જગ્યા ગ્રંથપાલોની ખાલી છે. સરકારી કોલેજોમાં 115 જગ્યામાંથી 57 જગ્યા ગ્રંથપાલોની ખાલી છે. જ્યારે શાળાઓમાં 5600 જગ્યા ગ્રંથપાલોની ખાલી છે. મેડિકલ કોલેજોમાં 95 ટકા ગ્રંથપાલની જગ્યા ખાલી છે. એન્જિનિયરિંગ કોલેજોમાં 100 ટકા અને આયુર્વેદ કોલેજોમાં 70 ટકા, જાહેર ગ્રંથાલયમાં 80 ટકા બેઠકો ખાલી છે. છેલ્લા 23 વર્ષથી ભરતીની રાહ જોઇ રહેલા ગ્રંથપાલોની ધીરજ હવે ખૂટી ગઇ છે. 10 વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં આ જગ્યાઓ ભરવામાં ન આવતાં MHRDના NIRFના રેકીંગમાં 1થી 200માં ગુજરાતની એકપણ સરકારી કોલેજને સ્થાન મળ્યું નથી. વિશ્વની સૌથી મોટી ગ્રંથાલય લાયબ્રેરી ઓફ કોંગ્રેસ અમેરિકામાં છે અને તેના ગ્રંથપાલની વરણી અમેરિકાના પ્રમુખ કરે છે. આમ, વિકસિત દેશોમાં ગ્રંથપાલનું કેટલું મહત્વ છે તે સમજી શકાય તેમ છે. રાજ્યમાં 25 વર્ષથી અનુદાનિત શાળાઓમાં ગ્રંથપાલની ભરતી થઇ નથી.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે,. મધ્યપ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, બિહાર, તામિલનાડુ, અસમ,પંજાબ સહિતના રાજ્યોમાં ગ્રંથપાલની ભરતી પુરા વેતનથી થાય છે. ગુજરાતમાં અઢી દાયકાથી ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના સ્નાતકો, અનુસ્નાતકો અને પીએચડીની ડિગ્રી ધરાવતાં વિદ્યાર્થીઓએ નછૂટકે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી રહી છે.