Site icon Revoi.in

ક્રિકેટર મયંક અગ્રવાલે વાનખેડે સ્ટેડિયમમાં બનેલો 34 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

Social Share

મુંબઈ: ક્રિકેટ એક એવી રમત છે કે જેમાં કોઈને કોઈ રેકોર્ડ તો તૂટતા અને બનતા જ રહેતા હોય છે. અનેક પ્રકારના રેકોર્ડ ક્રિકેટ જગતમાં બન્યા છે અને તે તૂટ્યા છે. આવામાં હાલમાં ચાલી રહેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલે રેકોર્ડ બનાવ્યો છે અને 34 વર્ષ જૂનો વાનખેડે સ્ટેડિયમમાં બનેલો રેકોર્ડ પણ તોડ્યો છે.

મુંબઈ ટેસ્ટના પહેલા દિવસે પોતાના અણનમ 120 રનના આધારે મયંક અગ્રવાલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો અને હવે તે વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે ભારત માટે સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ રમનાર બેટ્સમેન બની ગયો છે.

ભારતીય ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી. પ્રથમ દિવસની રમત સમાપ્ત થઈ ત્યારે મયંક અગ્રવાલ 120 રન બનાવીને નોટઆઉટ હતો.

તેણે રમતના પહેલા દિવસે 246 બોલનો સામનો કર્યો અને 3 છગ્ગા અને 14 ચોગ્ગાની મદદથી આ ઇનિંગ રમી છે.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મયંક અગ્રવાલ પહેલા સુનીલ ગાવસ્કરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ઇનિંગ રમવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્ષ 1976માં પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ગાવસ્કરે 20 ચોગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા અને ભારતે 162 રનથી જીત મેળવી હતી. આ પછી આ રેકોર્ડ અત્યાર સુધી જળવાઈ રહ્યો હતો, પરંતુ હવે 34 વર્ષ બાદ ભારતીય ઓપનર બેટ્સમેન મયંક અગ્રવાલે ન્યૂઝીલેન્ડ સામે 120 રન બનાવીને ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે.