Site icon Revoi.in

ગુજરાતમાં મેઘમહેરઃ અત્યાર સુધીમાં સિઝનનો 76 ટકા વરસાદ વરસ્યો

Slow Motion of Rain and umbrella

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને રાજ્યના મોટાભાગના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 76 ટકા સુધી વરસાદ વરસી ચુક્યો છે. દરમિયાન 24 કલાકમાં 100થી વધારે તાલુકામાં વરસાદ નોંધાયો હતો. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ શહેરમાં આજે સવારથી જ આકાશ વાદળછાયુ રહ્યું હતું. તેમજ કેટલાક સ્થળો ઉપર વરસાદ પણ વરસ્યો હતો.

રાજ્યના કચ્છ ઝોનમાં 126 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 71 ટકા, દક્ષિણ ઝોનમાં 88 ટકા, પૂર્વ મધ્યમાં 66 અને ઉત્તર ઝોનમાં 63 ટકા વરસાદ અત્યાર સુધીમાં વરસી ચુક્યો છે. ગુજરાતમાં ચાલુ વર્ષે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી રાજ્યમાં ખરીફ પાકનું જંગી ઉત્પાદન થવાની શકયતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં ભારે થી અતિભારે જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન પણ ફૂંકાઇ શકે છે.

દરમિયાન વલસાડના ઉમરગામમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. સાબરકાંઠાના હિંમતનગરમાં બે કલાકમાં 3.5 ઈંચ, બનાસકાંઠાના લાખાણીમાં બે કલાકમાં બે ઈંચ સહિત કુલ પોણા ત્રણ ઈંચ, દાંતિવાડામાં બે કલાકમાં 2.6 ઈંચ, ડીસામાં અઢી ઈંચ, દાહોદના લીમખેડા-દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર-પોરબંદરના રાણાવાવમાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

અન્યત્ર જ્યાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમા પાટણના સિદ્ધપુર, વલસાડના વાપી-પારડી, સાબરકાંઠાના વડાલી, મહેસાણાના ખેરાલુ-ઉંઝા, બનાસકાંઠાના ધાનેરા, મહીસાગરના સંતરામપુર, દાહોદના જાલોદ અને સુરતના ચોર્યાસીનો સમાવેશ થાય છે.