Site icon Revoi.in

રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસામાં સારો વરસાદ વરસ્યો છે અને ફરીથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન આગામી પાંચ દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.અમદાવાદ, ગાંધીનગર અને ખેડામાં ભેજવાળું વાતાવરણ રહેશે.હાલ ભારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભેજવાળા વિસ્તારોમાં જ વરસાદ પડવાની શક્યતા છે. પાંચ દિવસ બાદ વરસાદ ઘટવાની શક્યતા છે.

નવસારીમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે.મોડીરાતથી શહેરમાં વરસાદી મહેર જોવા મળી રહી છે.તો વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.તો ખેરગામમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી હતી. માત્ર બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. હવામાનની આગાહી મુજબ રાજકોટ જિલ્લામાં પણ મેઘારાજાની એન્ટ્રી થઈ છે. જસદણના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી મહેર જોવા મળી રહી છે.આટકોટ,વિરનગરમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં સવારથી જ વાતાવરણ વાદળ છાયું રહ્યું હતું તેમજ અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.