Site icon Revoi.in

દેશમાં મેડિકલ ઓક્સિજન ઉત્પાદન માટે પીએમ કેર ફંડમાંથી કરોડોની સહાય

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીમાં મેડિકલ ઓક્સિજનની જંગી જરૂરિયાત ઉભી થઈ હતી. વૈશ્વિક કોરોના કટોકટીમાં દેશની આરોગ્ય સંભાળ વ્યવસ્થાને મજબૂત અને સક્ષમ બનાવવા માટે, પીએમસીએઆરએસ ફંડ દ્વારા દેશમાં 162 મેડિકલ ઓક્સિજન જનરેશન પ્રોજેક્ટ્સને આશરે રૂ. 201.58 કરોડના ફંડનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સેન્ટ્રલ મેડિકલ સપ્લાય સ્ટોર પર કુલ રૂ.137.33 કરોડનો પ્રોજેક્ટ ખર્ચ છે. આમાં સપ્લાય અને પ્રોજેક્ટ ઇન્સ્ટોલેશન અને મેનેજમેન્ટ ચાર્જ અને રૂ.64.25 કરોડના વ્યાપક વાર્ષિક જાળવણી કરારનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ મેડિકલ સપ્લાય સ્ટોર્સ આ સ્વાયત્ત મંડળ દ્વારા ખરીદવામાં આવશે.

દેશના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં, 154.19 મેટ્રિક ટનની ક્ષમતાવાળા 162 પ્રોજેક્ટ્સ ઉભા કરવામાં આવી રહ્યા છે. આ પ્રોજેક્ટ્સની પ્રથમ ત્રણ વર્ષ માટેની બાંયધરી આપવામાં આવશે અને આગામી 7 વર્ષ માટે, પ્રોજેક્ટના જાળવણી માટે એક વ્યાપક વાર્ષિક જાળવણી કરારનો સમાવેશ કરવામાં આવશે. સીએએમસીની મુદત પૂરી થયા પછી, સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ તે હોસ્પિટલો અથવા રાજ્યો દ્વારા કરવામાં આવશે.