Site icon Revoi.in

ધ્રાંગધ્રામાં 300 ફુટ ઉંડા બોરવેલમાં ખાબકેલા બાળકનો ચમત્કારિક બચાવ

Social Share

અમદાવાદઃ ધ્રાંગધ્રાના દૂધાપુર ગામમાં દોઢ વર્ષનો શિવમ નામનો બાળક રમતા-રમતા નજીકના બોરવેલમાં ખાબક્યો હતો. 300 ફુટ ઉંડા બોરવેલમાં લગભગ 30 ફુટના અંતરે બાળક ફસાયું હતું. જેથી પોલીસે સૈન્યની મદદથી બાળકને બચાવી લેવા કવાયત શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ બાળકને સહીસલામત બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યો હતો. બોરવેલમાં બાળકને જીવતો બહાર કાઢવામાં તેના પરિવાર તથા એકત્ર થયેલા લોકોમાં ખુશી ફેલાઈ હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર ધ્રાંગધ્રા સૈન્ય સ્ટેશનને ધ્રાંગધ્રા પોલીસ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટએ ફોન કરીને  ધ્રાંગધ્રા તાલુકાના દૂધાપૂર ગામમાં એક સાંકડા બોરવેલમાં પડેલા દોઢ વર્ષના શિવમ નામના બાળકને બચાવવા માટે વિનંતી કરી હતી. આ માહિતી મળતા જ 10 મિનિટમાં બચાવ ટીમ સક્રીય થઇ હતી અને મનિલા રોપ (દોરડું), સર્ચ લાઇટ, સેફ્ટી હાર્નેસ, કેરાબાઇનર વગેરે જેવા આવશ્યક ઉપકરણો લઇને લાઇટ વ્હીકલમાં ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.

ટીમે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું અને નિયંત્રણમાં લીધી હતી કારણ કે ઘટનાસ્થળ પર આખા ગામના લોકો એકત્ર થઇ ગયા હતા. શિવમ નામનો આ બાળક જમીનના સ્તરથી લગભગ 25-30 ફુટ નીચે ફસાયો હતો અને બોરવેલ લગભગ 300 ફુટ સુધી ઊંડો હતો અને તેમાં પાણીનું સ્તર પણ લગભગ તેના નાક સુધી પહોંચી ગયું હતું; બાળકના રડવાનો અવાજ ઉપર સંભળાતો હતો.  ટીમે યુક્તિપૂર્વક ધાતુના હૂકમાં ફેરફાર કર્યો હતો અને તેને મનિલા રોપ સાથે બાંધ્યું હતું. બાદમાં તેને બોરવેલમાં અંદર નાંખ્યું હતું. થોડી મિનિટોમાં હૂક બાળકના ટીશર્ટમાં ફસાઇ ગયું હતું અને ટીમે ધીમે ધીમે તેમજ સ્થિરતાપૂર્વક દોરડું બહાર ખેચ્યું હતું અને આ રીતે બાળકને સફળતાપૂર્વક બોરવેલમાંથી બચાવી લેવાયો હતો.  ત્યારબાદ, ટીમ બાળકને લઇને પ્રાથમિક સારવાર માટે નજીકમાં આવેલા ધ્રાંગધ્રા જિલ્લા હોસ્પિટલ ખાતે પહોંચી હતી જ્યાં તેની સ્થિતિ સારી હોવાનું જાણવા મળ્યું હતું. શિવમ હાલમાં જોખમમાંથી બહાર છે.