Site icon Revoi.in

મહેસાણાનું મોઢેરા ગામ દેશનું સૌ પ્રથમ સોલાર વિલેજ બનશેઃ 5મી સપ્ટેમ્બરે લોકાર્પણ

Social Share

મહેસાણા: રાજ્યમાં સૂર્યઊર્જા યાને સોલાર એનર્જીનો વ્યાપ વધતો જાય છે. જેમાં મહેસાણા જિલ્લાનું મોઢેરા દેશમાં સૌ પ્રથમ સોલાર વિલેજ બની રહ્યું છે. આગામી તા. 5 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી દેશના પ્રથમ સોલર વિલેજ એવા મોઢેરા અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે. 69 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. શિક્ષક દિવસે મહાત્મા મંદિર ખાતે સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટનો પ્રારંભ કરવા આવી રહેલા વડાપ્રધાન મોદી રિમોટ કંટ્રોલથી મોઢેરા સોલર વિલેજ અને સૂર્ય મંદિરનું લોકાર્પણ કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ મોઢેરા ગામ સોલાર વિલેજ બનતા ગામને આર્થિકરીતે પણ સારોએવો ફાયદો થશે. હાલમાં મોઢેરા ગામની વીજળીની જરૂરિયાત પ્રતિ કલાક માત્ર 10 હજાર યુનિટની છે, પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટને વિસ્તૃત બનાવાયો છે, જેથી પ્રતિ કલાક 1.50 લાખ યુનિટ વીજળીની ડિમાન્ડ સોલર મારફત પૂરી પાડી શકાશે. આ પ્રોજેક્ટમાં દક્ષિણ કોરિયાની ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે. દિવસે ઉત્પન્ન થયેલી વીજળીનો સંગ્રહ થઇ શકે તેવી વ્યવસ્થા કરી છે. સંપૂર્ણ ગામ માત્ર સોલર વીજળીથી જ ચાલશે. ગુજરાત સરકારની કંપની ગુજરાત પાવર કોર્પોરેશને આ પ્રોજેક્ટને હાથ ધર્યો છે, જેમાં મોઢેરાના તમામ 1610 ઘરને સંપૂર્ણ સોલર આધારિત વીજળી પૂરી પાડવામાં આવશે. આ સાથે 11મી સદીમાં બનેલું ઐતિહાસિક સૂર્ય મંદિર પણ સૂર્ય ઊર્જાથી ઝળહળશે.

Exit mobile version