Site icon Revoi.in

મોદી સરકાર બદલશે રાજપથનું નામ,નેતાજી બોઝની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી રાજપથ આ નામથી ઓળખાશે

Social Share

દિલ્હી:કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજધાનીમાં સ્થિત સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ ઐતિહાસિક રાજપથ અને રાષ્ટ્રપતિ ભવનથી લઈને ઈન્ડિયા ગેટ સુધીનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવાનો નિર્ણય લીધો છે.સત્તાવાર સૂત્રોએ સોમવારે આ માહિતી આપી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરની સાંજે સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ આખા વિસ્તારનું ઉદ્ઘાટન કરશે.

સૂત્રોએ જણાવ્યું કે,નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ રાજપથ અને સેન્ટ્રલ વિસ્ટા લૉનનું નામ બદલીને ‘કર્તવ્યપથ’ કરવા અંગે 7 સપ્ટેમ્બરે એક વિશેષ બેઠક બોલાવી છે અને આ પ્રસ્તાવ કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવશે.તેમણે કહ્યું, “ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધીનો સમગ્ર માર્ગ અને વિસ્તાર કર્તવ્ય પથ તરીકે ઓળખાશે.” રાજપથને અંગ્રેજોના સમયમાં કિંગ્સવે કહેવામાં આવતું હતું.વડાપ્રધાન મોદીએ આ વર્ષે તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં સંસ્થાનવાદી વિચારસરણી દર્શાવતા પ્રતીકોને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે,વડાપ્રધાને 2047 સુધી આગામી 25 વર્ષમાં તમામ લોકોને તેમની ફરજ બજાવવાના મહત્વ પર ભાર મૂક્યો છે અને ‘કર્તવ્યપથ’ નામમાં આ ભાવનાને જોઈ શકાય છે. તેમણે કહ્યું કે,મોદી સરકારે આ પહેલા પણ ઘણા રસ્તાઓના નામ બદલીને જન-કેન્દ્રિત નામ રાખ્યું છે.

2015 માં, રેસકોર્સ રોડનું નામ બદલીને લોક કલ્યાણ માર્ગ કરવામાં આવ્યું હતું, જ્યાં વડાપ્રધાનનું નિવાસસ્થાન આવેલું છે. વર્ષ 2015માં ઔરંગઝેબ રોડનું નામ બદલીને એપીજે અબ્દુલ કલામ રોડ કરવામાં આવ્યું હતું. વર્ષ 2017માં ડેલહાઉસી રોડનું નામ બદલીને દારાશિકોહ રોડ કરવામાં આવ્યું હતું. અકબર રોડનું નામ બદલવા માટે પણ અનેક પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.