Site icon Revoi.in

આતંકવાદ સામે મોદી સરકારનું આકરુ વલણઃ લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન TRF ઉપર પ્રતિબંધ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપવામાં આવ્યો છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નેટવર્કને તોડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. દરમિયાન એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને UAPA ની જોગવાઈઓ હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે. આ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી સંગઠન છે. વર્ષ 2019માં જ્યારે કેન્દ્ર સરકારે લશ્કર-એ-તૈયબાને આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું, ત્યાર બાદ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) નામનું નવું સંગઠન સામે આવ્યું હતું. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગમાં પણ સામેલ છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થયો છે. તેને અટકાવવા માટે વધારે સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે TRF પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ સાથે ગૃહ મંત્રાલયે TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ ગેરકાનૂની ગતિવિધિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કર્યો છે. 2019માં લશ્કર-એ-તૈયબાને આતંકવાદી જાહેર કર્યા બાદ નવા સંગઠન TRFની રચના કરવામાં આવી હતી. મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલામાં પણ લશ્કર-એ-તૈયબાનો હાથ છે. TRF જમ્મુ-કાશ્મીરના યુવાનોને ભારત સરકાર વિરુદ્ધ ઉશ્કેરવાનું પણ કામ કરી રહ્યું હતું. આ માટે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રચાર કરી રહ્યું છે અને ત્યાંના યુવાનોની ઓનલાઈન ભરતી પણ કરી રહ્યો છે. TRFની આવી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રાલયે આ જૂથને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યું છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચના અનુસાર, TRF લશ્કર-એ-તૈયબાનું પ્રોક્સી સંગઠન છે. લશ્કર-એ-તૈયબા પર પ્રતિબંધ મૂક્યા પછી 2019 માં TRF અસ્તિત્વમાં આવ્યું હતું. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે આ સંગઠન યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ કરવા માટે ઓનલાઈન ભરતી કરી રહ્યું છે. આ સિવાય તે ઘૂસણખોરી, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં પણ સામેલ છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ સંગઠન સોશિયલ મીડિયા દ્વારા જમ્મુ-કાશ્મીરના લોકોને ભારત વિરુદ્ધ ભડકાવી રહ્યું છે.