Site icon Revoi.in

ગાંધીનગરના સેકટર-29માં વાનરોનો આતંક, પાંચ લોકોને બચકા ભર્યા

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરનાં સેકટર-29 વસાહતમાં છેલ્લા ઘણા દિવસોથી વાંદરાઓનાં ઝૂંડે આતંક મચાવી મહિલા સહિત પાંચ લોકો ઉપર જીવલેણ હુમલો કરતા બાળકો સહિત સૌ કોઈમાં ભયનો માહોલ છવાઈ જવા પામ્યો છે. અચાનક આવી ચડેલા વાંનરોએ હુમલા કરી પાંચ લોકોને બચકા ભર્યા હતા. જે પૈકી મહિલાને ગાંધીનગર સિવિલમાં 15 ટાંકા લેવાની પણ ફરજ પડી હતી.

ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી વાંદરોનાં ઝૂંડ ઉતરી આવ્યાની વ્યાપક બૂમરાણ ઉઠવા પામી છે. ત્યારે શહેરના સેકટર-29ના પ્લોટ નંબર 197/2ના આસપાસના પ્રાઇવેટ મકાનો તેમજ સોસાયટીઓમાં છેલ્લા ઘણા દિવસથી વાંદરાના ઝૂંડ આવી ચડ્યા છે. વાંદરાનાં ઝૂંડ અત્રેના વિસ્તારમાં આવીને આતંક મચાવતા હોવાથી વસાહતીઓને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જવા પામ્યું છે. અચાનક મોટી સંખ્યામાં વાનરોની સેના આવીને કૂદાકૂદ કરવામાં આવતી હોવાથી અનેક વાહનોને પણ નાનું મોટું નુકશાન થવા પામ્યું છે.

આટલા દિવસોથી વાનર સેનાએ કૂદાકૂદ કરીને હાહાકાર મચાવ્યો હતો જેના કારણે વસાહતીઓ ઘરની બહાર નીકળતા પણ અચકાતા હતા. વાનર સેના દ્વારા એકદમ આવી ચડીને લોકોના વાહનો તેમજ ઘરો પર તોફાન મચાવવામાં આવતું હોવાથી વસાહતીઓએ શરૂમાં વાનર ગત સ્વભાવ માનીને વાનર સેના પર કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. શહેરના સેકટર-29ના પ્લોટ નંબર 197/2 માં રહેતા મિત્તલ પટેલ પર અચાનક વાનરે જીવલેણ હુમલો કરીને બચકા ભરી લીધા હતા. જેનાં કારણે મિત્તલબેને બૂમાબૂમ કરી મુકતા આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા અને તેમને વાનરથી છુટકારો આવ્યો હતો જેમને લોહી નીતરતી હાલતમાં ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની પ્રાથમિક સારવાર કર્યા પછી 15 ટાંકા લેવાની ફરજ પડી હતી.

આ ઉપરાંત ઉપરોક્ત પ્લોટ નંબરની નજીકના મકાનમાં રહેતા એડીસી બેંકના બે કર્મચારીઓ પર પર વાંદરોએ હુમલો કર્યો હતો. જેમને પણ દવાખાનામાં સારવાર લેવાની નોબત આવી હતી. ઉપરાંત અહીં વર્ષોથી કપડાને ઈસ્ત્રી કરવાનો ધંધો કરતાં ધોબી પર પણ વાંદરાએ હુમલો કરી બન્ને પગે બચકા ભરી લીધા હતા. જેનાં કારણે ધોબીને વતન જતાં રહેવાની ફરજ પડી છે. ત્યારે વાનર સેનાના આતંકના કારણે વસાહતીઓએ પોતાના બાળકોને ઘરની બહાર રમવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એકલદોકલ મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ થરથર કાપી રહી છે.

આ અંગે વસાહતીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસોથી વાનર સેનાની વર્તણૂક એકદમ બદલાઈ ગઈ છે. પહેલા વાંદરાઓ કૂદાકૂદ કરી આતંક મચાવતા હતા પણ હમણાંથી જાણે વાંદરા હુમલો કરવા જ આવતા હોય તેવો માહોલ સર્જાયો છે. અહીંના સર્કલ નજીક રોડને અડીને આવેલા એક બંગલામાં વર્ષોથી કષ્ટ ભંજન હનુમાનની મૂર્તિ હતી. જેનાં દર્શન અર્થે દૂર દૂરથી લોકો આવતા હતા. પરંતુ થોડા દિવસો પહેલા આ બંગલાને તોડી પાડી ખુલ્લો પ્લોટ કરી દેવામાં આવ્યો છે. ત્યારથી આ વિસ્તારમાં ફરતી વાનર સેનાની વર્તણૂંકમાં એકદમ બદલાવ આવી ગયો છે. હવે વાનર સેના દ્વારા માનવીઓ પર જીવલેણ હુમલા કરી બચકા ભરી લેવામાં આવી રહ્યા છે. ત્યારે વસાહતીઓ પણ ઈચ્છી રહ્યા છે કે, વન વિભાગ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી આ વિસ્તારને વાનર સેના મૂક્ત કરાવવામાં આવે.